સિવિલ હોસ્પિટલના કોવિડ ડેડબોડી વિભાગ પાસે સગાંઓના ચૌધાર આંસુ સાથે હૈયાફાટ રૂદનના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. ડેડબોડી લેવા માટે પણ કલાકો સુધીની રાહ જોવી પડી રહી છે. નરોડા ખાતે રહેતાં 73 વર્ષીય જિતેન્દ્ર રાવલનું કોવિડથી સોમવારે મોત થયું હતું, તેમના પુત્રનું કહેવું છે કે, બપોરે બે વાગ્યે મોતની જાણ કરાઈ પણ બે કલાકથી વધુ સમય પછીયે ડેડબોડી સુપરત કરાઈ નહોતી. અન્ય સગાંઓએ કહ્યું કે, ઈશ્વર ફરી કોઈ દિવસ અમને અહીં ના બોલાવે. સરકારી ચોપડે મોતના આંકડા બતાવાતા નથી પરંતુ સ્મશાન ગૃહોમાં વેઈટિંગ છે.
સિવિલ કેમ્પસની બી.જે. મેડિકલ કોલેજમાં આરટીપીસીઆર ટેસ્ટ બમણાં કરી દેવાયા છે, અગાઉ 600થી 800 ટેસ્ટ થતાં હતા, જોકે અત્યારે ટેસ્ટિંગની સંખ્યા વધારી 1700 કરાઈ છે. બીજી વખત સંક્રમિત થયેલા દર્દીના સેમ્પલ પુના મોકલાયા છે, કયા સ્ટ્રેઈનના વાયરસથી પુન: સંક્રમિત થયા તેનો અભ્યાસ ચાલી રહ્યો હોવાનું સત્તાવાળા કહે છે.
સિવિલ કેમ્પસની કોવિડ હોસ્પિટલોમાં સોમવારની સ્થિતિએ 840 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જે પૈકી 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં 647 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાંથી 12 દર્દી વેન્ટિલેટર પર છે, 125 દર્દીઓ બાયપેપ પર છે, 322 ઓક્સિજનના સહારે છે અને 175 દર્દી સ્ટેબલ છે, સિવિલ હોસ્પિટલના સૂત્રોએ કહ્યું કે, સિવિલ કેમ્પસમાં 75 ટકા દર્દીઓ કોઈને કોઈ પ્રકારની ઓક્સિજન થેરાપી પર છે, મહત્ત્વનું છે કે, કિડની હોસ્પિટલમાં 169 કોવિડ બેડ હસ્તગત કરાયા છે જ્યારે કેન્સર હોસ્પિટલમાં 30 બેડ સાથે કોવિડ સેવા શરૂ કરાઈ છે.
સિવિલ 1200 બેડ હોસ્પિટલમાં 920 બેડ નક્કી કરાયા હતા, જોકે કેસો વધી રહ્યા છે જેને ધ્યાને લઈ 1100 બેડની કેપેસિટી કરવામાં આવશે તેમ હોસ્પિટલના સૂત્રો કહે છે, બીજી તરફ એકાદ બે દિવસમાં સિવિલ કેમ્પસ નજીક આવેલી મંજુશ્રી મિલ કેમ્પસની કિડની હોસ્પિટલમાં 500 બેડ સાથેની કોવિડ હોસ્પિટલ શરૂ કરવા તજવીજ હાથ ધરાઈ છે, ત્યાં 56 વેન્ટિલેટર સાથેની વ્યવસ્થા કરાઈ છે.
બી.જે. મેડિકલ કોલેજ ખાતે 23 કોવિડ ડેડબોડી પર ઓટોપ્સી કરાઈ હતી, જેના તારણોમાં બહાર આવ્યું છે કે, ફેફસાનું વજન ત્રણ ગણું વધેલું હતું. આ સિવાય પણ નાના મોટા ફેરફાર સામે આવ્યા હતા.
સિવિલમાં આરટી-પીસીઆર રિપોર્ટમાં ધાંધિયા, દર્દીઓ પરેશાન મ સિવિલમાં દાખલ કરાતા શંકાસ્પદ દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ સમયસર આવતાં નથી, જેને કારણે દર્દી અને સગાને પરેશાની થાય છે, નારોલના એક દર્દીના સગાએ કહ્યું કે, મારા પિતાને શનિવારે બપોરે દાખલ કરાયા હતા, દાખલ થતાં પહેલાં ખાનગીમાં ટેસ્ટ કરાવ્યો, જે નેગેટિવ આવ્યો હતો, જોકે સિવિલમાં સોમવારના ત્રીજા દિવસે સાંજે પણ ટેસ્ટનો રિપોર્ટ મળ્યો નથી. હજુ આવતી કાલ સુધી રાહ જોવાનું કહેવાય છે, શંકાસ્પદ વોર્ડમાં રખાયા છે ત્યાં કોઈ જાતની ટ્રિટમેન્ટ પણ થતી ન હોવાનો સગાએ દાવો કર્યો હતો. આવી જ સ્થિતિ અન્ય દર્દીઓની પણ છે. જલદી રિપોર્ટ આવે તેવી તંત્રે સવલત કરવી જોઈએ તેવી માગણી ઊઠી છે.