જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ ફરીથી વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે લોકો સાવચેત રહે અને નિયમોનું પાલન કરે તે અત્યંત આવશ્યક છે. કોરોના સામેનો જંગ સફળતાપૂર્વક કેવી રીતે લડી શકાય તેનું ઉદાહરણ નાના એવા મોટીબાણુંગાર ગામે પૂરૂં પાડયું છે.
જામનગર શહેરથી માત્ર 20 કિ.મી.ના અંતરે આવેલા મોટીબાણુંગાર ગામે પાંચ દિવસ પૂર્વે 25 જેટલા લોકો કોરોના પોઝિટીવ આવતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. પરંતુ ડરી જવાના બદલે ગ્રામજનોએ સાથે મળીને વધુ કેસ આવે નહીં અને કોઇનું મૃત્યુ થાય નહીં તે માટે એક અઠવાડીયાનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી દીધું હતું. જેનું ચુસ્તપણે પાલન થઇ રહ્યું છે. ગામમાં માત્ર બે કલાકમાં દૂધની ડેરી ખોલવામાં આવે છે. જ્યારે ગામમાં બહારના લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી. સ્વૈચ્છિક લોકડાઉનના કારણે ગામમાં ચોતરફ સન્નાટો જોવા મળી રહ્યો છે. જે કોરોના સામેના જંગમાં જીતવા ગ્રામજનોને સક્ષમ બનાવે છે. ગ્રામજનોએ આ સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયને સ્વીકારી તેનું ચુસ્તપણે પાલન કરી રહ્યાં છે. લોકોએ પોતાના ઘરોમાં અઠવાડીયાનું કરિયાણા સહિતની ખાદ્ય સામગ્રી પણ ભરાવી લીધી છે અને સ્વૈચ્છિક લોકડાઉન નિયમોના પાલન, રસિકરણ સહિતના અસરકારક પગલાંઓને કારણે કોરોનાને કોરાણે મૂકવા તૈયાર થઇ ચૂકયા છે.