ગીર જંગલમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલ સુઓમોટોમાં કોર્ટ દ્વારા નિમવામાં આવેલા એમીકસ કયુરી તરફ્થી ગુરૂવારે એવી ગંભીર ચેતવણી આપવામાં આવી હતી કે, ગીર જંગલ આસપાસની જમીનો જે રીતે ઉદ્યોગપતિઓને અપાઇ રહી છે, તેમાં આ જ રીતે ચાલ્યું તો નજીકના ભવિષ્યમાં એશિયાટિક લાયન્સનું એકમાત્ર હેબિટાટ સમાન ગીરના જંગલનો વિનાશ થશે. એમીકસ કયુરીએ હાઈકોર્ટને એવી પણ ચોંકાવનારી ફરીયાદ કરી હતી કે રેલવે લાઇનના અપગ્રેડેશન અને વિદ્યુતીકરણ માટે 148 હેક્ટર જમીન આપવાનો પ્રસ્તાવ પર્યાવરણીય સમીક્ષા વગર કરવામાં આવ્યો છે.
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે રજૂઆત કરી હતી કે ગીર જંગલમાં રેલલાઇન અપગ્રેડેશન, ઓઇલ-ગેસ પાઇપલાઇન કે ઓપ્લિકલ ફઇબર પાથરવા માટે કોઇ જમીનની ફાળવણી કરવામાં આવી નથી. અત્યારે આ અંગે વિવિધ સ્તરે માત્ર પ્રસ્તાવો જ થયા છે. જેની સામે કોર્ટ દ્વારા વિરોધ કરાયો હતો કે રેલલાઇનના અપગ્રેડેશન અને વિદ્યુતીકરણ માટે 148 હેક્ટર જમીન આપવાના પ્રસ્તાવો પણ પર્યાવરણીય સમીક્ષા વગર કરવામાં આવ્યા છે.
જંગલની જમીન ઓઇલ-ગેસ અને ઓપ્ટિકલ ફઇબરની લાઇન નાંખવા માટે આપવા સામે હાઇકોર્ટે સ્ટે ફરમાવવો જોઇએ. જંગલમાં આવી પાઇપલાઇન નખાશે તો ભવિષ્યમાં અહીંના પર્યાવરણ પર વિપરિત અસરો થશે. આ ઉપરાંત જંગલ આસપાસની જમીનો ઉદ્યોગપતિઓને અપાઇ રહી છે, જેના કારણે ઘણું નુકસાન થશે. એશિયાટિક સિંહોના ઘરને સાચવવામાં નહીં આવે તો આ સિંહોનું અસ્તિત્વ જ નહીં રહે. આ સમગ્રવિસ્તારનો વ્યવસ્થિત રીતે વિનાશ થઇ રહ્યો છે.