જામનગર શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં સામે જોવા બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી ગુરૂવારે રાત્રિના સમયે યુવાન ઉપર ત્રણ શખ્સોએ એકસંપ કરી લાકડાના ધોકા અને તલવાર વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી અમન સોસાયટીમાં રહેતા સલમાન યાકુબ ચૌહાણ નામના યુવાન અને તેના જ વિસ્તારમાં રહેતા જાવેદ ઈસ્માઇલ ખફી નામના શખ્સ સાથે સામે જોવા બાબતે બોલાચાલી ચાલતી હતી અને આ બોલાચાલીનો ખાર રાખી ગુરૂવારે રાત્રિના સમયે સલમાન ચૌહાણ નામના યુવાનને જાવેદ ખફી, અયાઝ ઉમર ખફી અને અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ એક સંપ કરી લાકડાના ધોકા અને તલવાર વડે માથાના પાછળના ભાગે તથા ડાબા કાંડામાં તથા સાથળના ભાગે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા સલમાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ અંગેની જાણ થતા પીએસઆઈ જે.આર. કરોતરા તથા સ્ટાફે ઘવાયેલા યુવાનના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.