દેશના અન્ય 08-10 રાજયોની માફક ગુજરાતમાં પણ કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. 2021નો માર્ચ પણ 2020ના માર્ચ જેવો ભયાનક ભાસી રહ્યો છે. પરંતુ ગુજરાતના નાગરીકોની કમનસિબી એ છે કે, સરકાર વિલંબથી જાગી હોવાના અહેવાલો સમગ્ર રાજયમાં ધૂમ મચાવે છે અને સોશ્યલ મિડિયા પર સરકારની આકરી ટીકાઓ થઇ રહી છે.
તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં કોર્પોરેશનો, જિલ્લા અને તાલુકા પંચાયતો તેમજ પાલિકાઓની ચૂંટણીઓમાં ન તો મતદારોએ કોરોના સંદર્ભે કાળજી દાખવી, ન તો સરકારે અને સ્થાનિક તંત્રોએ સાવચેતી દેખાડી. જેને પરિણામે ગુજરાતની સ્થિતિ એક વર્ષ પછી ફરીથી બગડવા તરફ જઇ રહી છે. અધૂરામાં પૂરૂ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હજારો દર્શકો એકબીજાના ખોળામાં બેઠા હોય એટલી ચિકકાર ગિરદી આ કોરોનાકાળમાં પણ સૌ એ જોઇ. લોકોએ આ ટોળાઓની હાજરી જોઇ સરકારની ખૂબ જ ટીકાઓ કરી. પછી પણ જયાં સુધી બીસીસીઆઇની લીલીઝંડી અને ગુજરાત ક્રિકેટ એસો.નો નિર્ણય ન આવ્યો ત્યાં સુધી ગુજરાત સરકારે મેચમાં દર્શકો પર પ્રતિબંધ ન ફરમાવ્યો. સરકારમાં આ વિલંબથી ગુજરાતના નાગરિકો આધાત અનુભવી રહ્યા છે.
રાજય સરકારે ગઇકાલે મંગળવારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઇટ કર્ફયૂની મૂદત 31 માર્ચ સુધી વધારી છે. બીજી બાજુ કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવ રાજીવ ભૂષણે મહારાષ્ટ્ર સરકારને પત્રમાં લખ્યું છે કે, માત્ર નાઇટ કર્ફયૂથી કોરોના ના અટકે. પુષ્કળ કોરોના ટેસ્ટ કરવા પડે.ઘણાં બધા લોકોને કવોરન્ટાઇમ કરવા પડે. રેલ્વે સ્ટેશન જેવી ભીડ વાળી જગ્યાઓ પર પણ લોકોના કોરોના ટેસ્ટ કરવા પડે.
અત્રે નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ફરીથી અતિ ગંભીર બની છે. ગુજરાત પણ ચિંતા મુકત રહી શકવાની સ્થિતિમાં નથી. 133 દિવસ પછી ગુજરાતમાં પ્રથમ વખત 24 કલાકમાં 954 કેસ જાહેર થયા છે અને એકટીવ કેસની સંખ્યા 5000ની નજીક પહોંચવાની તૈયારીમાં છે. સરકારે અને સ્થાનિક તંત્રોએ જાગ્યા ત્યારથી સવાર ગણી હવે કોરોનાને અંકૂશમાં લેવાં વ્યાપક સ્તરે ઝડપી કાર્યવાહી કરવી જોઇએ. એવું ગુજરાતના લોકો માની રહ્યા છે. બીજી બાજુ એ પણ હકિકત છે કે, આપણે ગુજરાતીઓ કોરોના સંક્રમણ અંગે યોગ્ય પ્રમાણમાં ગંભીર નથી. આપણી બેદરકારી આપણા માટે માઠી અસરો જન્માવી રહી છે.