રાજકોટના કોટડા સાંગાણીમાં આવેલ ચેમ્પિયન એગ્રો લિમીટેડ દ્વારા આઇડીબીઆઇ બેંક સાથે રૂા.58.60 કરોડની છેતરપીંડી આચર્યાની ફરિયાદ સીબીઆઇ ગાંધીનગરમાં નોંધાઇ છે. ચેમ્પિયન એગ્રો લિમીટેડ કંપનીના ચેરમેન તથા મેનેજીંગ ડિરેકટર ધીરજલાલ જી. હિરાપરા, જિતેન્દ્રકુમાર જી. હિરાપરા તથા આઇડીબીઆઇ બેંકના અજાણ્યા અધિકારીઓ તથા તપાસમાં નીકળે તેને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ કંપનીએ વર્ષ 2009 થી 2014 સુધીમાં કૌભાંડ આચર્યુ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આઇડીબીઆઇ બેંકના જનરલ મેનેજર સોનમ બોધે ચેમ્પિયન એગ્રો લિમીટેડ કંપની સામે ગાંધીનગર સીબીઆઇમાં નોંધાવેલી ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો છે. કે, સબમર્સિબલ પંપ બનાવતી હતી પછી કં5નીએ એગ્રો કિલનિકલના ધંધામાં ઝંપલાવ્યું હતું.
ચેમ્પિયન એગ્રો લિમીટેડ કંપનીના મેનેજીંગ ડિરેકટર ધીરજલાલ જી હિરાપરા અને જિતેન્દ્રકુમાર જી. હિરાપરાએ આઇડીબીઆઇ બેંકમાંથી રૂા.58.60 કરોડની લોન મેળવી હતી. લોનના નાણાં નહીં ભરતા બેંક દ્વારા બેંકિગની કાયદા અન્વયે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યાર બાદ બેંક દ્વારા ચેમ્પિયન એગ્રો લિમીટેડ કંપીન સામે ફ્રોડ સેલ મારફતે તપાસ કરાવતા વિવિધ બેંકોમાંથી મેળવેલ લોનના નાણાં અન્યત્ર ફેરવીને ગંભીર ગેરરિતીઓ આચરી હોવાનું બહાર આવ્યું હતું. આઇડીબીઆઇ બેંક દ્વારા તા.2-6-2020ના રોજ ગાંધીનગર સીબીઆઇમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. સીબીઆઇ દ્વારા લેખિત ફરિયાદ તથા દસ્તાવેજોના આધારે તપાસ કરીને ચેમ્પિયન એગ્રો લિમીટેડ કંપની તથા અન્યો સામે ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે.