ખંભાળિયા નજીક ચાલી રહેલા નેશનલ હાઈ-વે પ્રોજેક્ટમાં વધુ એક વખત વિવાદ સામે આવ્યો છે. જેમાં ખંભાળિયા પંથકના અનેક ગ્રામજનોને તેઓની જમીનના સંપાદન અંગેના વળતર આપ્યા વગર તંત્ર દ્વારા કબજો લેવા અંગેની તજવીજ સામે ગઇકાલે ભારે વિવાદ સર્જાયો હતો. જેના પગલે જિલ્લા સાંસદ પૂનમબેન માડમ દોડી આવ્યા હતા અને અહીંના કલેકટર તથા અધિકારીઓ સાથે મિટિંગો કરી આ અંગે તાકીદે જરૂરી પગલાં લેવા જણાવાયું હતું.
ખંભાળિયા નજીક હાલ વાડીનાર- કુરંગા ફોરલેન પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે. ત્યારે તદ્દન ધીમી ગતિએ ચાલતા આ પ્રોજેક્ટના લીધે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વચ્ચે ખેડૂતો દ્વારા તેઓને મળવાપાત્ર વળતર ન મળ્યું હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
ખંભાળિયા- દ્વારકા હાઈ-વે પર ચાલી રહેલા નેશનલ હાઇવે પ્રોજેક્ટમાં ખંભાળિયા તાલુકાના કુવાડીયા, સામોર સહિતના અનેક ગામોના ખેડૂતોને તેઓની કપાત જમીન અંગેનું મળવાપાત્ર વળતર હજુ સુધી મળ્યું ન હોવાની બાબત વચ્ચે ગઈકાલે સાંજે અહીંના અધિકારીઓ દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને જમીનનો કબજો મેળવવા માટેની તજવીજ કરવામાં આવી હતી. આ કામગીરીથી રોષે ભરાયેલા સ્થાનિક ગ્રામજનો- ખેડૂતો રોષભેર એકત્ર થયા હતા અને આ કામગીરી અટકાવવા સાથે જિલ્લા સાંસદ પૂનમબેન માડમને જાણ કરવામાં આવી હતી.
આના અનુસંધાને ગત્ સાંજે હાલારના સાંસદ પૂનમબેન માડમ તાકીદે ખંભાળિયા દોડી આવ્યા હતા. તાલુકાના કુવાડીયા ગામ નજીક એકત્ર થયેલા ખેડૂતો પાસેથી સમગ્ર વિગત જાણી હતી. આ સમગ્ર બનાવ સંદર્ભે સાંસદ પૂનમબેન દ્વારા અહીંના અધિકારીઓ સાથે મુદાસર ચર્ચાઓ કરી અને ખેડૂતોને અન્યાય થતો હોવાનું જણાવી આ કામગીરી અંગે અહીંની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈ અને જિલ્લા કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીના સાથે જરૂરી ચર્ચા વિચારણાઓ કરી હતી.
ખેડૂતોને મળવાપાત્ર વળતરમાં તેઓને અન્યાય થતો હોવાનું જણાવી આ સમગ્ર બાબતે તેમના દ્વારા સ્થળ પરથી જ મહેસુલ મંત્રી કૌશિક પટેલને રજૂઆત કરી, જમીન સંપાદનની કામગીરી અટકાવવા જણાવ્યું હતું.
આમ, કથિત રીતે બળજબરીપૂર્વક ખેડૂતોની જમીન ઉપર કબજો મેળવવા અંગેની તજવીજ સંદર્ભે જિલ્લા સાંસદ પૂનમબેન માડમે ઉપસ્થિત અધિકારીઓનો ઉધડો લીધો હતો અને જ્યાં સુધી ખેડૂતોને વળતર ન મળે ત્યાં સુધી જમીન સંપાદન અંગેની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગત સાંજથી મોડી રાત્રી સુધી ચાલી રહેલી આ મીટીંગ તથા ચર્ચા-વિચારણાઓ બાદ પરિસ્થિતિ થાળે પડી હતી અને ખેડૂતોએ જિલ્લા સાંસદ પૂનમબેન માડમની આભારની લાગણી વ્યક્ત કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ આ હાઈ-વે પ્રોજેક્ટમાં કેટલાક ખેડૂતોની વાવ બુરી નાખવા, દિવાલ પાડી નાખવા સહિતના બનાવો બન્યા છે. ત્યારે જમીન સંપાદન તથા હાઈ-વે નિર્માણની આ સમગ્ર કામગીરી સ્થાનિકોની મંજૂરીથી અને નિયમ મુજબ થવી જોઇએ તેમ તાલુકાના ગ્રામજનો- ખેડૂતો ઇચ્છી રહ્યા છે.