જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા લગભગ બે દાયકાથી મ્યાંમારથી આવીને ગેરકાયદે રહેતા હજારો રોહિંગ્યાઓની વિરુદ્ધ સરકારે કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા બે દિવસથી રોહિંગ્યાઓની વિરુદ્ધ આ કાર્યવાહી જારી છે. જમ્મુમાં પ્રથમ તબક્કામાં થયેલી કાર્યવાહીમાં 155 રોહિંગ્યાની ધરપકડ કરીને હીરાનગર જેલમાં બનેલા સેન્ટરમાં મોકલી દેવાયા છે. એ પછી સમગ્ર તપાસ કરીને ગૃહ અને વિદેશ મંત્રાલયની સહમતી લઈને તેમને પરત મોકલવામાં આવશે.
તંત્રના અનુસાર, અત્યારસુધીમાં લગભગ 6,000 રોહિંગ્યાની ઓળખ કરવામાં આવી છે. તબક્કાવાર રીતે તેમની ધરપકડ કરીને પરત મોકલવામાં આવશે. ભાજપાએ જમ્મુ-કાશ્મીરમાંથી રોહિંગ્યા નાગરિકોને પરત મોકલવાને ચૂંટણીનો મુદ્દો પણ બનાવ્યો હતો. બંગાળ અને આસામમાં ચૂંટણી દરમિયાન આ કાર્યવાહી થઈ રહી છે, ત્યાં રોહિંગ્યા મોટો મુદ્દો છે, તેથી કાર્યવાહીના ટાઈમિંગને આ રાજ્યોની ચૂંટણી સાથે જોડવામાં આવે છે.
સરકારી રિપોર્ટ અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં કુલ 13,600 વિદેશી નાગરિકો ગેરકાયદે રહે છે, જેમાં સૌથી વધુ સંખ્યા રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓની છે. જમ્મુમાં પણ તેમની સંખ્યા મોટી છે. જમ્મુના બેલી ચરાના અને સાંબામાં પણ તેમની મોટી સંખ્યા છે. અનેકવાર રોહિંગ્યાઓનું નામ ડ્રગ રેકેટ જેવા અપરાધોમાં સામે આવ્યું છે. જમ્મુના સુંજવાં મિલિટરી સ્ટેશન પર થયેલા આતંકી હુમલામાં પણ તેમની ભૂમિકા સામે આવી હતી.
સમાજસેવી ઉપદેશ અંડોત્રા કહે છે, જમ્મુના સાંબા અને કઠુઆમાં મોટી સંક્યામાં રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ રહે છે. જમ્મુમાં તેમની ઓળખ કરવી અને તેમની ધરપકડ કરવાની જે કાર્યવાહી થઈ છે એનું સ્વાગત છે. દેશના અનેક ભાગોમાંથી લોકો આવીને જમ્મુ-કાશ્મીરમાં બિઝનેસ કરે છે, પરંતુ ગેરકાયદે રહેતા લોકોને તો બહાર કાઢવા જ પડશે. જમ્મુના બઠિંડીમાં રોહિંગ્યાઓની સૌથી વધુ સંખ્યા હોવાનું જણાવાયું છે. અહીંના રહેવાસી રાજેશ કુમાર રોહિંગ્યાઓની ઓળખ કરીને ધરપકડ કરવાને સારું પગલું ગણાવે છે. તેઓ કહે છે, હું બઠિંડીનો જ રહેવાસી છું. મેં જોયું છે કે ડ્રગ ટ્રાફિકિંગ, થેફ્ટ અને આ પ્રકારના અપરાધોમાં તેઓ આ લોકો સામેલ રહેતા હોય છે.
સુંજવાંના રહેવાસી રાજિન્દર સિંહ અને અકરમ ચૌધરી કહે છે, તમામ રોહિંગ્યા અપરાધી છે એવું નથી. અનેક લોકો અહીં મજૂરી કરી રહ્યા હતા, પણ સવાલ એ છે કે આખરે વિદેશથી આવીને આ લોકો અહીં કેવી રીતે વસી ગયા? તેમને કોણ લાવ્યું, એની તપાસ થવી જોઈએ.
જમ્મુ-કાશ્મીરમાં મ્યાંમારના રોહિંગ્યા લગભગ 20 વર્ષ અગાઉ વસવાટ કરવા લાગ્યા હતા. 2002માં પીડીપી-કોંગ્રેસની સરકારના સમયમાં તેમના વસવાટમાં વધારો થયો. દર વર્ષે આ સિલસિલો વધતો રહ્યો. ભાજપાએ 2014ની લોકસભા ચૂંટણી અને 2015ની જમ્મુ-કાશ્મીર ચૂંટણીમાં આ મુદ્દાને પોતાના ઘોષણાપત્રમાં સ્થાન આપ્યું હતું. 2017માં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરમાં રોહિંગ્યાઓની ઓળખની પ્રક્રિયા શરૂ કરાવી હતી. જમ્મુ-કાશ્મીરની પીડીપી અને ભાજપા સરકારે પણ 2017-18માં રોહિંગ્યાઓનો સર્વે કરાવ્યો હતો.
હવે સરકારે રોહિંગ્યા નાગરિકોની ઓળખ કરીને તેમને અસ્થાયી રીતે બનાવાયેલાં સેન્ટરોમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે, પરંતુ તમામ રોહિંગ્યાઓની ઓળખ અત્યારે શાસન માટે પડકારરૂપ છે. સરકારની પાસે જમ્મુના 6 હજાર રોહિંગ્યાનો જ રેકોર્ડ છે, જ્યારે એક સરકારી રિપોર્ટ અનુસાર, તેમની સંખ્યા સમગ્ર રાજ્યમાં 13000થી વધુ હોઈ શકે છે. એનું કારણ એવું દર્શાવાય છે કે કેટલાક રોહિંગ્યાઓએ ભારતના ઓળખપત્ર બનાવડાવી લીધાં છે. આ ઉપરાંત ચિહ્નિત કરાયેલા લોકોમાં મોટા ભાગના જમ્મુના શહેરી વિસ્તારોનાં છે, જ્યારે મોટા ભાગની રોહિંગ્યા વસતિ આસપાસના જિલ્લાઓમાં જતી રહી છે, જ્યાં તેમની ઓળખ મુશ્કેલ છે.