જામનગર સહિત રાજયના તમામ મહાનગરોને કબ્જામાં લીધાં પછી, ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના ગામે-ગામ કેસરીયો ફરકાવી દીધો છે. મહાનગરો ઉપરાંત નાના નગરો(પાલિકાઓ) તેમજ રાજયની જિલ્લા પંચાયતોમાં 800 બેઠકો તથા તાલુકા પંચાયતોમાં 3351 બેઠકો પર ભવ્ય વિજય હાંસલ કરીને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની રાજનીતિમાં એક નવો સર્વોચ્ચ મુકામ હાંસલ કર્યો છે.
રાજયના મહાનગરોમાં રસ્તાઓ અને ફલાઇઓવર તથા ઓવરબ્રીજ જેવી ઘણી બાબતોમાં ઘણાં વર્ષોથી વિકાસ દેખાઇ રહ્યો છે. બીજી બાજુ દાયકાઓથી અને રાજયમાં 25 વર્ષ લાંબા ભાજપાના શાસન પછી પણ રાજયના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની દ્રષ્ટિએ ઘણું બધુ ખુટે છે. પછાત હોવાનું ટેગ ધરાવતી ગ્રામ્ય પ્રજા અનેક પ્રકારની મુશ્કેલી વચ્ચે જીવે છે. ભારતીય જનતા પાર્ટીને અભુતપૂર્વ વિજય હાંસલ થયો છે ત્યારે ગ્રામ્ય પ્રજા પણ હવે ઇચ્છે છે કે, શહેરોની માફક ગામડાંઓમાં અને નાના નગરોમાં પણ વિકાસ અવતરે.
અત્રે નોંધનીય છે કે, પાછલાં પાંચ વર્ષ દરમ્યાન રાજયની મોટાં ભાગની જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન હતું. ગાંધીનગરમાં ભાજપાનું શાસન હોવાને કારણે કોંગ્રેસશાસીત ગ્રામ્ય વિસ્તારોમાં પાછલાં પાંચ વર્ષથી વિકાસને ખાસ કોઇ તક મળી ન હતી. હવે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં અને ગાંધીનગરમાં એક જ પક્ષનું શાસન હોવાને કારણે અને ગ્રામ્ય પ્રજાએ ભાજપાને મતોના રૂપમાં ખોબલે ખોબલે પ્રેમ આપ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે જ ગ્રામ્ય જનતામાં વિકાસની ભૂખ જાગશે. અને શાસકોએ આ મુદ્દે વધુ સતર્ક રહેવું પડશે.
પ્રધાનમંત્રીએ ગઇકાલના પરિણામો બાદ ટવીટ્માં જણાવ્યું છે કે, વિકાસના એજન્ડાને ગુજરાતની પ્રજાએ સમર્થન આપ્યું છે. ત્યારે આપણે સૌ આશા રાખીએ કે, રાજયના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસનો એજન્ડા વંટોળની જેમ ફરી વળે અને આપણાં ગામડાંઓ સમૃધ્ધ તથા વિકસિત અને મજબૂત બને.