કોરોનાથી લડવા સારી વ્યવસ્થાના દાવાઓ વચ્ચે કોરોના તપાસમાં મોટી ગડબડ સામે આવી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ટેસ્ટીંગ ડેટામાં ગડબડી સામે આવી છે.
ટેસ્ટ કરાવનાર લોકોના લાંબા લીસ્ટમાં માહિતી ફેક નીકળી હતી. લાપતા લોકોમાં પોઝીટીવ અને નેગેટીવ બંને રિપોર્ટવાળા સામેલ છે. આ રાજયોના સ્વાસ્થ્ય વિભાગ પાસે લાપતા લોકોને ટ્રેક કરવાનું કોઇ સાધન નથી. સાથે જ એ પણ જાણવા ન મળેલ કે પોઝીટીવ લોકોએ પ્રોટોકોલનું પાલન કર્યુ છે કે નહિ.
છત્તીસગઢમાં એવા લગભગ 3 હજાર કોરોના દર્દીઓ છે. જેનો કોઇ અતો પતો નથી. રાયપુરમાં સૌથી વધુ 392 લોકો ગાયબ છે. તેમાંથી મોબાઇલ નંબર 9000000000ને તો ફકત રાજધાનીમાં જ 24 દર્દીઓએ નોંધાવ્યો છે. બધા નામ સરનામા અલગ છે. આવી જ રીતે અન્ય નંબર છે જેને 4 થી પ લોકોએ પોતાનો નંબર હોવાનુ લખાવ્યુ છે. સ્વાસ્થ્ય વિભાગનો દાવો છે કે પોલીસની મદદથી કેટલાકની ભાળ મેળવાય છે. જયારે નામ, સરનામું અને મોબાઇલ નંબર જ ખોટા છે ત્યારે ફરીયાદ કોના ઉપર નોંધાવી તેમ રાયપુરના સીએમએચએઓ ડો.મીરા બધેલે જણાવેલ.
રાજસ્થાનમાં લગભગ 60.5 લાખની કોરોના તપાસમાં 50 હજારનો કોઇ પતો નથી. મોબાઇલ નંબરની તપાસ કરતા આપેલ નંબર વિભાગના જ અધિકારીઓના હોવાનુ માલુમ પડેલ. જયપુર જિલ્લામાં 1 હજાર પોઝીટીવ લોકોના નામ, સરનામા, મોબાઇલ ખોટા મળ્યા છે. જયપુરમાં 15 હજાર, સીકરમાં 10 હજાર, નાગૌરમાં 1200, ઝાલાવડમાં 3 હજાર, બુંદીમાં 60, જોધપુર 441, અલવર 247, બાડમૈર 7, દૌસા 100 અને પ્રતાપગઢ બાંસવાડામાં 3 હજાર ખોટી માહિતીની પુષ્ટિ થયેલ.
મધ્યપ્રદેશમાં કોરોના વેકસીન લાભાન્વીતોની યાદી બનાવવામાં હજારો ગડબડી સામે આવેલ. સાત લાખ વ્યકિતઓની યાદીમાં 1,37,454ના મોબાઇલ નંબર સરખા નિકળ્યા છે. 83598 સ્વાસ્થ્યકર્મીઓ, 32422 આવાસવિભાગના, રાજસ્વ ખાતાના 1977, ગૃહવિભાગના 7338 અને પંચાયતી રાજ વિભાગના 119 કર્મચારીઓ છે. આ રીતે છતીસગઢમાં પણ ગરબડ જોવા મળી છે.