તાજેતરમાં ઉતરાખંડ ખાતે કુદરતી આફત સર્જાવા પામી છે. અત્યાર સુધીમાં 18 મૃતદેહો મળી આવ્યાં છે. બચાવરાહત ટુકડીઓએ કાટમાળથી દટાયેલી ટનલમાંથી પ્રોજેકટના 27 શ્રમિકોને બચાવ્યાં છે. અને 202 લોકો આ વિસ્તારમાં હજુ લાપતા હોવાની વિગતો જાહેર થઇ છે. ત્યારે પહાડોની ગોદમાં આવેલો ઋષિગંગા હાઇડ્રો ઇલેકટ્રિક પાવર પ્રોજેકટ શું છે? અને તેના સંબંધી કાનૂની લડાઇ કયા તબકકે ચાલી રહી છે ? તેની વિગતો અત્રે પ્રસ્તુત છે.
બે વર્ષ પહેલાં 2019ની સાલમાં સ્થાનિક ગ્રામજનોએ આફતના ભયથી આ પ્રોજેકટનો વિરોધ નોંધાવ્યો હતો. કુંદનસિંઘ નામના એક સ્થાનિક નાગરીકે ઉતરાખંડની વડી અદાલતમાં આ અંગે જાહેરહિતની અરજી દાખલ કરી હતી. આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, આ પ્રોજેકટ માટે ખાનગી કંપની દ્વારા જે પ્રવૃતિઓ થઇ રહી છે. તે સ્થાનિક પર્યાવરણના હિતમાં નથી. અરજીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, આ કંપની દ્વારા અત્રે કરવામાં આવી રહેલાં બ્લાસ્ટ આ વિસ્તારના પહાડો અને પર્યાવરણ માટે જોખમી છે.
આ ઉપરાંત અરજીમાં એમ પણ કહેવાયું છે કે, પ્રોજેકટની કામગીરી દરમ્યાન વધારાની જે માટી નિકળી રહી છે તે માટી ઋષિગંગા નદીમાં આડેધડ ઠાલવવામાં આવી રહી છે. જેનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા હોવા છતાં કોઇ સાંભળતું નથી. આ વિસ્તારમાં ખોદકામ અને બ્લાસ્ટીંગ સંબંધે સરકારના નિયમોનો કંપની દ્વારા ભંગ થઇ રહ્યો હોવા છતાં સ્થાનિક તંત્રો દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
દરમ્યાન અદાલતે પણ એવું નિરિક્ષણ કર્યુ હતું કે, આ પ્રોજેકટના કારણે આ વિસ્તારને નુકશાન થઇ શકે છે અને આ નિરિક્ષણ પછી જુન 2019માં અદાલતે આ વિસ્તારમાં બ્લાસ્ટ કરવા પર પ્રતિબંધ પણ ફરમાર્યો હતો. અદાલતે સાથે એવી પણ સુચના આપી હતી કે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક કલેકટર તંત્ર દ્વારા સંયુકત સમિતી બનાવવામાં આવે અને આ પ્રોજેકટના સ્થળનું નિરિક્ષણ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવે. આ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે, ગેરકાયદેસર ખાણકામ કે, બ્લાસ્ટીંગના કોઇ પૂરાવાઓ મળી આવ્યાં નથી.
બાદમાં 2020ની 26મી જુલાઇએ અદાલતે આ કેસની સુનાવણી ઓગસ્ટમાં કરવી એવું જાહેર કર્યા પછી આજની તારીખે આ મામલાની સુનાવણી અદાલતમાં થવા પામી નથી.
સ્થાનિક ગ્રામજનો ના કહેવા પ્રમાણે ઉતરાખંડથી માંડીને દિલ્હી સુધી કોઇ આ પ્રોજેકટ અંગેના વિરોધની વાત સાંભળવા તૈયાર નથી.