કૃષિ કાયદાનો વિરોધ કરતાં 40 ખેડૂત સંગઠનો દ્વારા આજે સમગ્ર દેશમાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો. રાજસ્થાન અને હરિયાણા વચ્ચે શાહજહાંપુર સરહદપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. પંજાબના અમૃતસર અને મોહાલીમાં ખેડૂતો વાહનોને રોકવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. બીજી બાજુ, જમ્મુ-પઠાણકોટ હાઈવે પર પણ ખેડૂતોએ વાહનોની અવરજવર બંધ કરી દીધી હતી.
આજે બપોરે 12 વાગ્યાથી શરૂ થયેલો ચક્કાજામ 3 વાગ્યા સુધી ચાલ્યો હતો. આ પહેલાં જ દિલ્હીમાં અસર થઈ શકે એવાં 10 મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યાં હતા. એમાં મંડી હાઉસ, ITO, દિલ્હી ગેટ, વિશ્વવિદ્યાલય, ખાન માર્કેટ, નેહરુ પ્લેસ, લાલકિલ્લા, જામા મસ્જિદ, જનપથ અને કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશન બંધ છે. અહીં કુલ 285 મેટ્રો સ્ટેશન છે.
ખેડૂતોએ અગાઉથી જ કહ્યું હતું કે પ્રદર્શન શાંતિપૂર્ણ કરવામાં આવશે. બીજી બાજુ, ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું છે કે દિલ્હી-એનસીઆર, યુપી અને ઉત્તરાખંડમાં રસ્તાઓ જામ કરવામાં નહીં આવે. દિલ્હીમાં તો રોજ ચક્કાજામ જેવી સ્થિતિ હોય છે, તેથી ત્યાં જામ કરવાની કોઈ જરૂર નથી. જોકે યુપી અને ઉત્તરાખંડને આ આંદોલનથી અલગ રાખવાનું કારણ વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમણે એ વિશે કહ્યું છે કે આ બંને રાજ્યોના ખેડૂતોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે અને તેમને કોઈપણ સમયે બોલાવવામાં આવી શકે છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું- અન્નદાતાનો શાંતિપૂર્ણ સત્યાગ્રહ દેશના હિતમાં છે- આ ત્રણ કાયદા ફક્ત ખેડૂત-મજૂર માટે જ નહીં, પરંતુ જાહેર જનતા અને દેશ માટે પણ ઘાતક છે. સંપૂર્ણ સમર્થન!
અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે કહ્યું કે કેન્દ્ર સરકારની એક ગેરસમજ છે કે કૃષિ કાયદાઓનો વિરોધ માત્ર પંજાબમાં જ થઈ રહ્યો છે. દેશના તમામ ખેડુતો આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. જો તેમ છતાં પણ તે (કેન્દ્ર સરકાર) આંખો બંધ કરીને તેને ફક્ત પંજાબનો વિરોધ જણાવી રહ્યા છો, તો તેના માટે કોઈ કંઈ કરી શકશે નહીં.
રાજસ્થાન: સત્તાધારી કોંગ્રેસે ખેડૂતોના આ આંદોલનને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. કોટામાં ટ્રેક્ટર રેલી કાઢી, અલવરમાં ખેડૂતોએ 10થી 12 જગ્યાએ પથ્થર અને કાંટાળા ઝાંખરા નાખીને નેશનલ અને સ્ટેટ હાઈવે જામ કરી દીધા હતાં.
હરિયાણા-પંજાબ: સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી હતી. રોડવેઝ બસો બંધ છે. ભિવાની, જિંદમાં 15, યમુનાનગરમાં 12, કરનાલમાં 10 અને કૈથલ 5 જગ્યાઓ પર ચક્કાજામ કરવામાં આવ્યા છે. હિસાર અને પાનીપતમાં નેશનલ અને સ્ટેટ હાઈવે જામ કરવામાં આવ્યા છે. બીજી બાજુ પંજાબમાં ભાજપને બાદ કરતાં દરેક રાજકીય પાર્ટી જામના સમર્થનમાં છે. સંગરુર, બઠિંડા, અમૃતસર, પટિયાલા, ફતેહગઢ સાહિબ, ફાજિલ્કા, મુક્તસર, કપૂરથલા, ગુરદાસપુર અને જાલંધરના અલગ અલગ વિસ્તારોમાં ચક્કાજામ કરવામાં આવ્યાહતાં.
તેલંગાણા: હૈદરાબાદમાં હાઈવે પર ચક્કાજામ કરાવવા ભેગા થયેલા પ્રદર્શનકારીઓએ પોલીસને હટાવી દીધી હતી.
ચક્કાજામ દરમિયાન ખેડૂતોને દિલ્હીમાં ઘૂસતા રોકવા માટે રોડ નંબર 56, NH-24, વિકાસ માર્ગ, જીટી રોડ, જાયરાબાદ રોડ પર પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં બેરિકેડ્સ પણ લગાવી દેવામાં આવ્યાં છે. દિલ્હીમાં ટીકરી બોર્ડર પર પોલીસ આંદોલનકારીઓ પર ડ્રોનથી નજર રાખી રહી છે. જોઈન્ટ સીપી, દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ તૈયાર છે. અંતિસંવેદનશીલ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના થાણેમાં ખેડૂતોના સમર્થનમાં ભારતીય જયહિંદ પાર્ટીના કાર્યકરોએ ભિવંડી-નાસિક હાઈવે ચક્કાજામ કર્યો. મહારાષ્ટ્રના થાણેમાં ખેડૂતોના સમર્થનમાં ભારતીય જયહિંદ પાર્ટીના કાર્યકરોએ ભિવંડી-નાસિક હાઈવે ચક્કાજામ કર્યો.
26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસાને કારણે વહીવટ વધુ સજાગ છે. દિલ્હી-NCRમાં પોલીસ, અર્ધસૈનિક અને રિઝર્વ ફોર્સના 50 હજારો સૈનિકો તહેનાત કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં તહેનાત CRPFની તમામ ટીમને કહેવામાં આવ્યું છે કે તેમની બસોમાં લોખંડની જાળી લગાવી લે, જેથી પથ્થરમારા જેવી પરિસ્થિતિમાં બચાવ કરી શકાય. દિલ્હીનાં 12 મેટ્રો સ્ટેશનને પોલીસે અલર્ટ જાહેર કર્યું છે. અહીં પ્રવેશ અને એક્ઝિટ પોઇન્ટ પર સુરક્ષાદળો તહેનાત હતા. જો હિંસા થાય તો કેટલાંક મેટ્રો સ્ટેશનો પણ બંધ થઈ શકે છે. દિલ્હીમાં કુલ 285 મેટ્રો સ્ટેશન છે.