જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટેની જાહેરાત થઇ ત્યારથી જ ભારતીય જનતા પાર્ટી તથા કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષોમાં કાર્યકરોના પક્ષપલ્ટા અને રાજીનામાનો દૌર શરુ થઇ ચૂકયું છે. તેમાં પણ ખાસ કરીને જ્યારથી ઉમેદવારોના નામ પક્ષો દ્વારા જાહેર થયા ત્યારથી રાજકીય પક્ષોમાં રાજીનામાની દૌડ જામી હોય તેઓ માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડ માટે 64 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યા બાદ પક્ષમાં આંતરીક અસંતોષ સર્જાયો છે. જેના કારણે પૂર્વ ડેપ્યુટી મેયર, પૂ. કોર્પોરેટર, પૂર્વ શહેર ઉપપ્રમુખ સહિતના અનેક હોદ્ેદારો-કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામા ધરી દેતાં ભાજપામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. જેથી ભરશિયાળે જામનગરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
જામનગર મહાનગરપાલિકાની ભાજપની ઉમેદવારોની યાદી જાહેર થતાંની સાથે જ અસંતુષ્ટોની યાદી સતત વધતી જાય છે. ભાજપમાં બળવાની આગ ફાટી નિકળી છે. સૌપ્રથમ પૂર્વ ડેપ્યુટી મેયર અને આહિર સમાજના અગ્રણી કરશન કરમૂરે રાજીનામુ ધરી દીધા બાદ રાજીનામાની લાઇન લાગી હતી. ભાજપાના પૂર્વ કોર્પોરેટર મિતલબેન ફળદુ, ઉષાબેન કંટારીયા, ચેતનાબેન પુરોહિત, જ્યોતિબેન ભારવાડીયા ઉપરાંત ભાજપાના પૂર્વ શહેર ઉપપ્રમુખ આશિષભાઇ કંટારીયા, હંસાબેન ત્રિવેદી, ડાડુભાઇ ભારવાડીયાએ ભાજપામાંથી રાજીનામા આપી દીધા હતાં. આમ ભાજપામાં રાજીનામાનો દૌર શરુ થઇ ચૂકયો છે. આંતરીક અસંતોષના કારણે હજૂ પણ અનેક રાજીનામા પડવાની સંભાવના દર્શાવાઇ રહી છે. ઠેર-ઠેર અસંતોષ અને ઉમેદવારો પ્રત્યે નારાજગી સપાટી પર આવી ચૂકી છે અને ભાજપામાંથી કાર્યકરો તથા અગ્રણીઓ રાજીનામા આપી રહ્યાં છે. ભાજપમાં અસંતોષના ચરૂ ઉકડી ઉઠયા હોય, આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય હજૂ નવાજુની થવાના એંધાણ જોવા મળી રહ્યાં છે.
ભાજપામાંથી ટિકિટ ન મળવાના કારણે અને ઉમેદવારો પ્રત્યે નારાજગીના કારણે રાજીનામાઓ આપ્યા બાદ રાજીનામા આપનાર કાર્યકરો અન્ય પક્ષોમાં જોડાઇ રહ્યાં છે. ગુરુવારે સાંજે રાજીનામુ આપનાર પૂર્વ ડેપ્યુટી મેયર અને આહિર અગ્રણી કરશન કરમુર ગઇકાલે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. વોર્ડ નં. પાંચમાંથી કોર્પોરેટર ચૂંટાયેલા કરશન કરમુર ભાજપામાં પોતાને ટિકિટ ન મળવાથી તેમજ તેમણે તેમના બદલે માંગેલ ટિકિટ પણ ન મળતાં રાજીનામુ આપ્યું હતું અને ગઇકાલે આમ આદમી પાર્ટીનો ખેંસ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. તેમજ વોર્ડ નં. 7ના પૂર્વ કોર્પોરેટર મિતલબેન ફળદુની પણ ટિકિટ કપાતાં તેઓએ પણ રાજીનામુ ધર્યું હતું અને અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી હતી. તો વોર્ડ નં. 2ના પૂર્વ કોર્પોરેટર ચેતનાબેન પુરોહિત પણ ટિકિટ ન મળવાના કારણે નારાજગી સાથે ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડયો હતો અને તેઓ પણ ગઇકાલે આમ આદમી પાર્ટીમાં જોડાઇ ચૂકયા હતાં.
આ ઉપરાંત ભાજપના ટિકિટના દાવેદાર હંસાબેન ત્રિવેદીએ પણ નારાજ થઇને ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો ખેંસ ધારણ કરી લીધો હતો. તેની સાથે પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર મનસુખ ખાણધર પણ ટિકિટ ન મળવાથી નારાજ હતાં. ત્યારે તેમના પુત્ર પુનિત ખાણધરે કોંગ્રેસનો ખેંસ ધારણ કરી વિધિવત્ કોંગ્રેસમાં જોડાઇ ચૂકયા હતાં. ગઇકાલે ભાજપામાંથી રાજીનામુ આપનાર વોર્ડ નં. 6ના પૂર્વ કોર્પોરેટર જ્યોતિબેન ભારવાડીયાએ આજે બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી.
ભાજપમાં ઉમેદવારી જાહેર થયા બાદ ઠેર-ઠેર અસંતોષ જોવા મળતાં ભાજપ સાથે છેડો ફાડી અન્ય પક્ષોમાં જોડાઇ રહ્યાં છે. તો બીજીબાજુ ભાજપની યાદી જાહેર થતાંની સાથે જ વોર્ડ નં. 9માં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
આયાતી ઉમેદવાર ગણાવી વોર્ડ નં. 9માં ભાજપના ઉમેદવારો સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નં. 9ના લિમડાલાઇન અને ગુરુદ્વારા વિસ્તારના 7300થી વધુ મતદારો જે તેમણે આયાતી ઉમેદવાર સામે વિરોધ દર્શાવી ઉમેદવાર બદલવા અથવા ફેરવિચારણા કરવાની માંગ સાથે ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલને પત્ર લખી રજૂઆત કરી છે. મહાનગરપાલિકામાં વોર્ડ નં. 9ના ઉમેદવારોમાં ચારમાંથી ત્રણ ટિકિટ વોર્ડના બહારના લોકોને આપી હોય, આ વિસ્તારના 26004 મતમાંથી 7300 મત લિમડાલાઇન અને ગુરુદ્વારા મત વિસ્તારના હોવા છતાં એક પણ ટિકિટ ફાળવવામાં આવી નથી. ગતવર્ષે પણ આ વિસ્તારને અન્યાય થયો હોય, વોર્ડ નં. 9માં રોષની લાગણી જોવા મળી રહી છે અને ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પત્ર લખી આ વિસ્તારમાંથી એક ટિકિટ ફાળવવા કાર્યકરો દ્વારા માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, આ વોર્ડના આયાતી ઉમેદવારના મામલે ગુરુવારથી જ ભારે અસંતોષ છે. જેની પ્રદેશ ભાજપ સુધી આગ પહોંચી ચૂકી છે. રમેશભાઇ ચૌહાણ, સુનિલભાઇ આશર, દિનેશભાઇ આલ (રબારી), સંજયભાઇ આશર, હરિશભાઇ ગઢવી, ચંદ્રવદનભાઇ ત્રિવેદી સહિતના કાર્યકરોએ આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓને રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો છે.