જામનગર મહાપાલિકાની 64 બેઠક માટે ભાજપ દ્વારા તેના ઉમેદવારોના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપ દ્વારા આજે જાહેર કરવામાં આવેલી યાદીમાં 18 ઉમેદવારોને રીપીટ કરવામાં આવ્યા છે કે જેઓ ગત ટર્મમાં પણ કોર્પોરેટર હતા જે પૈકી 3 ઉમેદવારની વોર્ડ બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાંક કિસ્સામાં પતિ-પત્નિ પુત્ર-બહેન કે અન્ય સબંધિને પણ ટીકિટ આપવામાં આવી છે. મહત્વની વાત એ છે ભાજપની આ યાદીમાં 30 નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. વોર્ડ નં.3ના ઉમેદવારોના નામમાં પ્રારંભીક ગોટાળો સર્જાયો હતો. પરંતુ તુરંત જ તેને સુધારી લેવામાં આવ્યો હતો.
ભાજપની પાર્લામેન્ટરી કમીટી દ્વારા આજે બપોરે જામનગરના 64 ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અપેક્ષા મુજબ જ આ લીસ્ટમાં તમામ પૂર્વ મેયરો તથા 3 ટર્મ જિતેલા કોર્પોરેટરોના નામની બાદબાકી કરી નાખવામાં આવી હતી. તેમ છતાં ગત ટર્મના ભાજપના કુલ 48 કોર્પોરેટરો પૈકી 18ને રીપીટ કરવામાં આવ્યા છે. રીપીટ કરવામાં આવેલા આ 18 ઉમેદવારો પૈકી 3ના વોર્ડ બદલવામાં આવ્યા છે. જેમાં ગત ટર્મમાં વોર્ડ નં.5માંથી ચૂંટાયેલા ડિમ્પલબેન રાવલને આ વખતે વોર્ડ નં.2માંથી ટીકિટ આપવામાં આવી છે. જ્યારે વોર્ડ નં.2માંથી ચૂંટાયેલા કિશન માડમને વોર્ડ નં.5માં ટીકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં.5માંથી ચૂંટાયેલા ધર્મરાજસિંહ જાડેજાને આ વખતે વોર્ડ નં.11માંથી લડાવવાનો નિર્ણય પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખી પૂર્વ મેયર હસમુખ જેઠવાના પુત્ર પાર્થ જેઠવાને તેમના સ્થાને વોર્ડ નં.10માં ટીકિટ આપવામાં આવી છે. વોર્ડ નં.11માં પૂર્વ કોર્પોરેટર જશરાજ પરમારના પુત્ર તપન પરમારને ટીકિટ આપવામાં આવી છે.
આ ઉપરાંત વોર્ડ નં.6માં ગત ટર્મમાં કોર્પોરેટર રહેલા ઝાંઝીબેન ડેરને બદલે તેમના પતિ ભાયાભાઇ ડેરને ટીકિટ આપવામાં આવી છે તો વોર્ડ નં.8માં યોગેશભાઇ કણઝારિયાને બદલે તેમના પત્નિ સોનલબેનને ટીકિટ આપવામાં આવી છે. તવી જ રીતે વોર્ડ નં.10માં પણ નટુભાઇ રાઠોડને બદલે તેમના પત્નિ આશાબેનને પક્ષના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે, હાલ શહેર ભાજપના મહામંત્રી પદે રહેલા ગોપાલ સોરઠિયાને વોર્ડ નં.7માંથી ટીકિટ આપવામાં આવી હોય પક્ષએ નક્કી કરેલા માપદંડ મુજબ તેમણે મહામંત્રી પદનો ત્યાગ કરવો પડશે.
ઉમેદવારોનું વિગતવાર લીસ્ટ જોવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો…..
https://khabargujarat.com/the-list-was-amended-after-the-names-of-bjp-candidates-were-announced/