જામનગર જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યા છે. જિલ્લાના ખેડૂતો દ્વારા ખેતી ખર્ચ, બજારભાવ, હવામાનની પરિસ્થિતિ તથા પાણીની ઉપલબ્ધિને ધ્યાનમાં રાખીને પાકની પસંદગી કરવામાં આવતા વાવેતર પેટર્નમાં બદલાવ નોંધાયો છે. ખાસ કરીને ચણાના વાવેતરમાં મોટો વધારો થયો છે, જ્યારે જીરાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે.
ચણાના વાવેતરમાં સૌથી વધુ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ વર્ષે જિલ્લામાં કુલ 86,145 હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર થયું છે, જ્યારે ગત વર્ષે આ આંકડો 79,140 હેક્ટર હતો. આમ, ચણાના વાવેતરમાં આશરે 7,000 હેક્ટરનો નોંધપાત્ર વધારો થયો છે. ચણાનો પાક ઓછા પાણીમાં સારી ઉપજ આપતો હોવાથી તેમજ બજારમાં સ્થિર ભાવ મળતા ખેડૂતોનો ચણાની તરફ ઝુકાવ વધ્યો છે. આ વધારાના વાવેતરના કારણે આ વર્ષે ચણાના કુલ ઉત્પાદનમા પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે ખેડૂતોની આવકમાં વધારો લાવશે.
View this post on Instagram
ઘઉંના વાવેતરની વાત કરીએ તો, આ વર્ષે જિલ્લામાં કુલ 38,321 હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષે ઘઉંનું વાવેતર 36,462 હેક્ટર વિસ્તારમાં થયું હતું. આમ, ઘઉંના વાવેતરમાં અંદાજે 2,000 હેક્ટર જેટલો વધારો નોંધાયો છે. ઘઉંમાં વધેલા વાવેતરના કારણે આવનારા સમયમાં જિલ્લામાં ઘઉંના ઉત્પાદનમા વધારો થવાની શક્યતા છે, જે સ્થાનિક જરૂરિયાત સાથે-સાથ બજારમાં પૂરવઠાને મજબૂત બનાવશે.
બીજી તરફ જીરાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે જિલ્લામાં જીરાનું વાવેતર 29,948 હેક્ટર વિસ્તારમાં થયું હતું, જ્યારે આ વર્ષે તે ઘટીને 22,755 હેક્ટર સુધી સીમિત રહ્યું છે. જીરાના પાકમાં વધુ ખર્ચ, હવામાનની અનિશ્ચિતતા તથા જીવાતના જોખમને કારણે ખેડૂતો દ્વારા જીરાનું વાવેતર ઓછું કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. વાવેતરમાં થયેલા ઘટાડાના કારણે આ વર્ષે જીરાના ઉત્પાદન પર તેની અસર પડી શકે છે અને પુરવઠામાં ઘટાડો થવાની સંભાવના છે.
ધાણાના વાવેતરમાં પણ વધારો નોંધાયો છે. આ વર્ષે ધાણાનું વાવેતર 18,261 હેક્ટર વિસ્તારમાં થયું છે, જ્યારે ગત વર્ષે 16,394 હેક્ટર વિસ્તારમાં થયું હતું. આમ, ધાણાના વાવેતરમાં અંદાજે 2,000 હેક્ટરનો વધારો થયો છે. વાવેતરમાં થયેલા વધારાના પરિણામે ધાણાના ઉત્પાદનમા પણ વધારો થવાની શક્યતા છે.
કુલ મળીને જોવામાં આવે તો જામનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં ચણાને મુખ્ય પ્રાધાન્ય મળ્યું છે. ચણા, ઘઉં અને ધાણા જેવા પાકોમાં વધેલા વાવેતરના કારણે આ વર્ષે કુલ રવિ ઉત્પાદન સંતુષ્ટિકારક રહેવાની શક્યતા છે, જ્યારે જીરાના ઉત્પાદનમા ઘટાડાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. ખેડૂતોના બદલાતા વાવેતરથી સ્પષ્ટ થાય છે કે તેઓ આર્થિક લાભ અને જોખમને ધ્યાનમાં રાખીને પાક પસંદગી કરી રહ્યા છે.
રવિ પાકમાં ચણાની વાવેતર વૃદ્ધિથી ઉત્પાદન વધવાની શક્યતા
જામનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા આ વર્ષે રવિ પાકમાં ચણાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ચણાનું વાવેતર ગત વર્ષની સરખામણીએ આશરે 7,000 હેક્ટર વધીને 86,145 હેક્ટર થયું છે. ઘઉંના વાવેતરમાં પણ વધારો નોંધાયો છે, જેના કારણે આવનારા સમયમાં ઘઉંના કુલ ઉત્પાદનમા વધારો થવાની સંભાવના છે. ધાણાના વાવેતરમાં થયેલા વધારાથી તેની ઉપજ પણ સારી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ જીરાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. વધુ ખર્ચ અને જોખમને કારણે ખેડૂતો દ્વારા જીરાનું વાવેતર ઓછું કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે, જેના કારણે જીરાના ઉત્પાદન પર તેની નકારાત્મક અસર પડી શકે છે.


