ધ્રોલ તાલુકાના મોટા ઇટાળા ગામમાં આવેલા જુદા જુદા ત્રણ મંદિરોના તસ્કરોએ તાળા તોડી કુલ રૂા. 38 હજારના આભૂષણોની ચોરી કરી ગયા હતા. આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની વિગત મુજબ ધ્રોલ તાલુકાના મોટા ઇટાળા ગામમાં આવેલા મેલડી માતાજીના મંદિર, રામનું મંદિર તથા સુરાપુરા દાદાના મંદિર સહિતના ત્રણ મંદિરોમાં ગત્ તા. 09ના રોજ મધ્યરાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી મેલડી માતાજીના મંદિરના દરવાજા તોડી રૂા. 3 હજારની કિંમતના ચાંદીના બે છત્તર તથા રૂા. 32 હજારની કિંમતની ચાંદીની બે નાની છરી, બાજુમાં આવેલા રામના મંદિરના તાળા તોડી અંદરથી રૂા. 1500ની કિંમતનું ચાંદીનું છત્તર તથા સુરાપુરાદાદાના મંદિરમાંથી રૂા. 1500ની કિંમતનું ચાંદીનું છત્તરની ચોરી કરી ગયા હતા. આમ, તસ્કરો જુદા જુદા ત્રણ મંદિરોમાંથી રૂા. 38 હજારની કિંમતના ભગવાનના આભૂષણો ચોરી કરી ગયાની જાણ મોટા ઇટાળાના વિજયભાઇ બાબુભાઇ ભંડેરી દ્વારા કરાતા હે. કો. ડી. પી. વઘોરા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી અજાણ્યા તસ્કરો વિરૂઘ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.


