વર્ષ 2025 પૂર્ણ થતાં અને 2026ની શરૂઆત થતાં હાલમાં ચાલતા નાતાલના વેકેશનમાં યાત્રાધામ દ્વારકામાં યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. 2026ના આરંભ સાથે નવવર્ષના પ્રથમ દિવસે ગઈકાલે ગુરુવારે સમગ્ર વર્ષ મંગલમય નિવડે તેવી કામના સાથે હજારો શ્રધ્ધાળુઓએ ચિકકાર ગીર્દી હોવા છતાં પણ સૌકોઈએ હોંશે-હોંશે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા.
સમગ્ર ભારતમાં નવવર્ષની વહેલી સવારની સૂર્યની પ્રથમ કિરણનું વિશેષ મહત્વ રહેલું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશ્વપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં પણ વર્ષની શરૂઆતમાં ગોમતી નદીના ઉદ્ગમ દિશાએથી સૂર્યના પ્રથમ કિરણને નિહાળવુ એક લહાવો સમાન હોય, ગઈકાલે નવાવર્ષના પ્રથમ સૂર્ય દર્શન માટે સહેલાણીઓ સૂર્યોદય પહેલાં જ દ્વારકાના ગોમતી ઘાટે જોવા મળ્યા હતા. ભાવિકો દ્વારા ગોમતી નદીમાં જળ હાથમાં રાખી સૂર્યદેવને મંત્રોચ્ચાર સાથે અર્ધ્ય અર્પણ કર્યા બાદ જગત મંદિરની ધોળી ધજાના દર્શન કર્યા હતા.
View this post on Instagram
પવિત્ર ગોમતી સ્નાન બાદ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો છપ્પનસીડી સ્વર્ગ દ્વારે જગતમંદિરમાં પ્રવેશી રાજાધીરાજ દ્વારકાધીશના મંગળા આરતી દર્શન તેમજ બાદમાં શૃંગાર આરતીના દૈદિપ્યમાન દર્શન નિહાળી આવનારું નૂતન વર્ષ મંગલમય નિવડે તે માટે ઠાકોરજીને પ્રાર્થના કરી હતી.
હાલમાં ચાલી રહેલા ક્રિસમસના મીની વેકેશન અને ખ્રિસ્તી નવવર્ષના પ્રારંભે કોલેજમાં નાતાલના મીની વેકેશનના માહોલમાં દ્વારકાના જગતમંદિરની સાથે સાથે દ્વારકા દર્શન સર્કિટના બેટ દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જયોતિર્લિંગ, ગોપી તળાવ, રૂકિમણી મંદિર, શિવરાજપુર બીચ, સુદર્શન સેતુ, હનુમાન દાંડી, મોમાઈ બીચ સહિતના તીર્થ અને પર્યટન સ્થળોમાં પણ ભાવિકો તથા સહેલાણી ઓની ભારે ભીડ જોવા મળી હતી.


