Tuesday, December 30, 2025
Homeરાજ્યજામનગરજામનગરના કોર્પોરેટર ઉપર કોણે કર્યો હુમલો ? કોની સામે થઈ ફરિયાદ ?

જામનગરના કોર્પોરેટર ઉપર કોણે કર્યો હુમલો ? કોની સામે થઈ ફરિયાદ ?

તાજેતરમાં જ આમઆદમી પાર્ટીમાં જોડાયા હતા : 6 શખ્સો તલવાર, લોખંડના પાઇપ, ધોકા વડે તૂટી પડયાં : પ્રથમ જી. જી. હાસ્પિટલમાં ખસેડાયા બાદ ખાનગી હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડાયા : હુમલાની ઘટનાથી રાજકીય-સામાજિક અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા : સિટી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પણ હોસ્પિટલ પહોંચી ગયો : 6 શખ્સો વિરૂઘ્ધ પોલીસ ફરિયાદ

જામનગરના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતાને ગઇકાલે સાંજના સમયે જામનગર મહાનગરપાલિકા કચેરી નજીક 6 શખ્સોએ તલવાર, લોખંડના પાઇપ, લાકડાના ધોકા વડે હુમલો કરતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે, કોર્પોરેટરે તાજેતરમાં જ કોંગ્રેસમાંથી આમઆદમી પાર્ટીમાં જોડાયા હતા. આ બનાવ અંગે વોર્ડ નંબર 12ના કોર્પોરેટર સહિત 6 શખ્સો વિરૂઘ્ધ સિટી ‘બી’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

બનાવની વિગત મુજબ વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા અસલમભાઇ ખિલજી ગઇકાલે સોમવારે સાંજના સમયે જામનગર મહાનગરપાલિકામાં કામ પૂર્ણ કરી ઘરે જવા માટે નીકળ્યા હતા. આ દરમ્યાન જામનગર મહાનગરપાલિકાની કચેરી સામે બાળકોનો મેળો ભરાય છે. ત્યાં પહોંચતાં 6 શખ્સોએ અસલમ ખફીના એક્સેસ મોટર સાયકલ સાથે મોટરસાયકલ અથડાવી તલવાર, ધોકા અને લોખંડના પાઇપ સાથે તૂટી પડયા હતા. માર મારી નાશી છૂટયા હતા. આ ઘટનાને પગલે જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ તથા રાહદારીઓ એકઠાં થઇ ગયા હતા. 108 એમ્બ્યુલન્સ મારફત ઇજાગ્રસ્ત અસલમભાઇને જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર માટે વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ હુમલાની જાણ થતાં રાજકીય વર્તૂળોમાં દોડધામ મચી ગઇ હતી. વોર્ડ નંબર 12ના અન્ય કોર્પોરેટર જેનમબેન ખફી, જામજોધપુરના ધારાસભ્ય હેમત ખવા સહિતના રાજકીય તથા સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. હોસ્પિટલનું વાતાવરણ તંગ બનતાં પોલીસ કાફલો પણ હોસ્પિટલ દોડી ગયો હતો. સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા પણ હોસ્પિટલે પહોંચ્યા હતા.

- Advertisement -

આ બનાવ અંગે મોડીરાત્રે શાહનવાઝ ખિલજી દ્વારા સિટી ‘બી’ પોલીસ સ્ટેશનમાં જુનૈદ ઉર્ફે પાવડરિયો ઉર્ફે જુનિયો રજાક ચૌહાણ, ઇસ્તિયાક ઉર્ફે ચોટલી બોદુ કુરેશી, સલીમ વલી ખિલજી, હબીબ ખફી, સમીર ઉર્ફે ચોર શકીલ ચૌહાણ તથા અલ્તાફ ખફી સહિત 6 શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયું છે કે, અલ્તાફ ખફીએ પાંચ શખ્સોને મોકલી ફોર વ્હીલર કાર ચલાવી ફરિયાદીના સગાની મોટરસાયકલને પાછળથી ઠોકર મારી પછાડી દઇ તલવાર, લોખંડના પાઇપ, લાકડાંના ધોકા વડે જેમ ફાવે તેમ માર મારી, બોલાચાલી કરી, અપશબ્દો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. 6 શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી સિટી ‘બી’ના પીઆઇ પી. પી. ઝાએ આ અંગે વધુ તપાસ હાથ ધરી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular