Wednesday, December 24, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ભાજપના પૂર્વ મહામંત્રીના બે પુત્રો ઉપર સરાજાહેર છરી વડે હુમલો -...

જામનગરમાં ભાજપના પૂર્વ મહામંત્રીના બે પુત્રો ઉપર સરાજાહેર છરી વડે હુમલો – VIDEO

સુભાષ શાક માર્કેટ નજીક વાહન પાર્કિંગ બાબતે માથાકૂટ : બોલાચાલી બાદ રિક્ષાચાલક સહિત ત્રણ શખ્સોનો હુમલો : ઇજાગ્રસ્ત બન્ને યુવકોને જી જી હોસ્પિટલ ખસેડાયા : સરાજાહેર હુમલાથી અફરાતફરી : પોલીસ દ્વારા સ્થળ પર દોડી જઇ કાર્યવાહી

જામનગર શહેરમાં સુભાષ માર્કેટ પાસે પાર્કિંગ બાબતે થયેલી બોલાચાલીમાં ત્રણથી ચાર જેટલા શખ્સોએ ભાજપના પૂર્વ મહામંત્રીના બે પુત્રો ઉપર છરીના આડેધડ ઘા ઝિંકયાના બનાવમાં બન્ને યુવકોને જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરમાં રહેતાં ભાજપના પૂર્વ મહામંત્રી મહિપતસિંહ પરમારના પુત્રો અનિરૂઘ્ધસિંહ અને અમરદીપસિંહ નામના બન્ને ભાઇઓ આજે સવારે સુભાષ શાક માર્કેટ પાસે શાક બકાલુ લેવા ગયા હતા. તે દરમ્યાન વાહન પાર્કિંગ બાબતે રિક્ષાચાલક સાથે બોલાચાલી થઇ હતી અને તે દરમ્યાન મામલો ઉગ્ર બની જતાં રિક્ષાચાલક સાથે મારામારી થઇ હતી. દરમ્યાન બન્ને ભાઇઓએ પોલીસની મદદ લેવાની વાત કરતાં રિક્ષાચાલક અને તેન સાથેના અન્ય બે સહિતના ત્રણ શખ્સોએ ફડાકા ઝીંકી દીધા હતા. ત્યારબાદ ત્રણેય પૈકીના એક શખ્સે છરી કાઢી અમરદીપસિંહ અને અનિરૂઘ્ધસિંહ ઉપર ધોળે દિવસે જાહેર રોડ પર છરીના આડેધડ ઘા ઝિંકી દીધાં હતાં. સરાજાહેર રોડ પર હુમલો થતાં ભાગદોડ મચી ગઇ હતી. ત્યારબાદ હુમલાખોરો પલાયન થઇ ગયા હતા.

- Advertisement -

સામાન્ય બોલાચાલીમાં આડેધડ છરીના ઘા ઝિંકી કરાયેલા હુમલામાં ઘવાયેલા બન્ને યુવકો અમરદીપસિંહ અને અનિરૂઘ્ધસિંહને સારવાર માટે તાત્કાલિક જી. જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બનાવની જાણ થતાં યુવકના પરિવારજનો અને આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોના સગા જયવીરસિંહ દ્વારા જણાવ્યા અનુસાર પહેલા બોલાચાલી થઈ હતી અને બાદમાં થપ્પડ મારવાની ઘટના બની. પરિસ્થિતિ ગંભીર બનતાં પોલીસને જાણ કરવાની વાત કરતા જ હુમલાખોરો વધુ ઉશ્કેરાઈ ગયા અને છરી વડે જીવલેણ હુમલો કરી દીધો.

નજીવી અને તુચ્છ બાબતે જાહેર માર્ગ પર આવી ગંભીર ઘટના બનતા શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્ર્નો ઉઠ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ સહિતના આધારોના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular