ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની હરાજી હંમેશા એવી કહાણીઓ સર્જે છે જ્યાં મિનિટોમાં ખેલાડીઓનું નસીબ બદલાઈ જાય છે. આ હરાજી માત્ર ક્રિકેટ નથી, પરંતુ સપનાઓ સાકાર થવાનો મંચ બની જાય છે. આવી જ એક પ્રેરણાદાયી કહાણી ઉત્તર પ્રદેશના યુવાન ક્રિકેટર પ્રશાંત વીરની છે, જેમણે IPL હરાજીમાં 14.20 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મેળવી સૌને ચોંકાવી દીધા.
પ્રશાંત વીર છેલ્લા ઘણા સમયથી સતત મહેનત કરી રહ્યો હતો. ઉત્તર પ્રદેશની સિનિયર અને અંડર-23 ટીમ માટે રમતાં તે મુંબઈ અને કોલકાતા વચ્ચે સતત મુસાફરી કરતો હતો. એક સમય એવો પણ હતો જ્યારે તેનું નામ બહુ ઓછા લોકો જાણતા હતા. ડાબા હાથના સ્પિનર તરીકે તે નીચેના ક્રમમાં બેટિંગ કરવાની ક્ષમતાથી પણ ઓળખાય છે, પરંતુ IPL હરાજી પહેલા તે ચર્ચામાં નહોતો.
પ્રશાંતના પિતા શાળાના શિક્ષક છે અને તેમની માસિક આવક માત્ર 12,000 રૂપિયા છે. પ્રશાંતના ક્રિકેટના ખર્ચો લાંબા સમય સુધી તેના દાદાના પેન્શનમાંથી ચાલતા હતા. દાદાના અવસાન બાદ પણ પ્રશાંતે સંઘર્ષ છોડ્યો નહીં. આજે એ જ પ્રશાંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો છે, જે એક સામાન્ય પરિવાર માટે સપના જેવું છે.
હરાજી બાદ પ્રશાંતે કહ્યું કે આ ક્ષણ સ્વપ્ન જેવી લાગી. પરિવારએ જીવનમાં ક્યારેય એટલા પૈસા જોયા નથી અને આ રકમ તેમના જીવનમાં મોટો બદલાવ લાવશે. પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવો તે પરિવાર નક્કી કરશે એમ તેણે જણાવ્યું.
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને ડાબોડી સ્પિનરની જરૂર હતી અને હરાજીમાં તેમની પાસે સૌથી વધુ રકમ બચી હતી. પ્રશાંતનું નામ આવતા CSKએ કોઈ સંકોચ વિના તેને ખરીદ્યો. પ્રશાંતે હંમેશા MS ધોનીના નેતૃત્વમાં CSK માટે રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને અંતે તેની પ્રાર્થના પૂર્ણ થઈ.
હાલ ભલે ટીમમાં સ્થાન મેળવવું પડકારરૂપ હોય, પરંતુ પ્રશાંત વીર IPLમાં રમ્યા પહેલા જ સ્ટાર બની ગયો છે. ગામડેથી વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ સુધી પહોંચેલી તેની સફર અનેક યુવાનો માટે પ્રેરણા બની રહેશે.


