દ્વારકામાં દ્વારકાધીશ મંદિર આવતા યાત્રાળુઓના આરોગ્ય પર તમાકુયુક્ત નશીલા પદાર્થોના વેચાણના કારણે અપ્રત્યક્ષ અસર થતી જોવા મળે છે. આ નશીલા પદાર્થોનું સેવન કરતા લોકો દ્વારા પાન-મસાલા, તમાકુ, ગુટકાનું સેવન કરી મંદિર પરિસર તથા તેના આજુબાજુના વિસ્તારોમાં થુંકીને ગંદકી ફેલાવાનું ધ્યાને આવતાં તેને કારણે જિલ્લા પોલીસ વડા દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. જે અન્વયે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ દ્વારકાધીશ મંદિરની 100 મીટરની ત્રિજ્યા સુધીના વિસ્તારમાં પાન-મસાલા, તંબાકુ, ગુટકા, સિગારેટ વિગેરેના વેચાણ, ખરીદી અને સેવન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
મંદિરની આસપાસના વિસ્તારમાં ભિક્ષુકો તથા ફેરિયાઓના કારણે ભાવિકોને અવરજવર કરવામાં મુશ્કેલી, ભક્તિમય વાતાવરણમાં વિક્ષેપ, સુરક્ષા વ્યવસ્થામાં ખલેલ, ટ્રાફિક તથા વ્યવસ્થાપન સંબંધિત સમસ્યાઓ ઊભી ન થાય તે માટે અને ફેરિયા અને ભિક્ષુકોની આડમાં ચોરી અને લુંટ થતી રોકવા પોલીસ અધિક્ષક દ્વારા મંદિરની આસપાસ ભિક્ષુકો તથા ફરતા ફેરીયાઓ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરવામાં આવી છે. આ જાહેરનામા મુજબ જગતમંદિરની 100 મીટરની ત્રિજ્યામાં ભિક્ષુકો તથા ફરતા ફેરિયાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ બંને જાહેરનામાં તા. 24 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.


