Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતગુરૂ-શુક્ર-શનિ હાલાર પર ભારે

ગુરૂ-શુક્ર-શનિ હાલાર પર ભારે

‘મોન્થા’ની અસર હેઠળ અરબી સમુદ્રનું ડિપ્રેશન સૌરાષ્ટ્ર તરફ ફંટાયું : દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં બે દિવસ મેઘતાંડવની સંભાવના : હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ

અરબી સમુદ્રમાં છેલ્લા 4 દિવસથી ઘુમરાઇ રહેલા ડિપ્રેશને સ્થિતિ બદલતાં હાલાર પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. ગુરૂવાર રાત્રિથી શનિવાર સુધીના 48 કલાક હાલારના બન્ને જિલ્લા જામનગર અને દેવભૂમિ દ્વારકા પર ભારે સાબિત થઇ શકે છે. હવામાન એજન્સી વીંડીએ દર્શાવેલા અનુમાનમાં ગુરૂવાર રાત્રિથી હાલારમાં ભારે કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઇ શકે છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. બન્ને જિલ્લાના વહિવટી તંત્રો સંભવિત સ્થિતિને ધ્યાનમાં લઇને સાબદા બન્યા છે. જયારે હવામાન વિભાગ દ્વારા પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાક માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 4-4 દિવસથી અરબી સમુદ્રમાં ઘુમરાઇ રહેલાં ડિપ્રેશને સમગ્ર રાજ્યમાં વ્યાપક કમોસમી વરસાદ વરસાવ્યો છે. હજુ પણ આ ડિપ્રેશન અરબી સમુદ્રમાં મંડરાઇ રહયું છે. ત્યારે આ ડિપ્રેશનની દિશા ગુજરાત તરફ ફંટાઇ છે. અગાઉ તે ધીમે-ધીમે પાકિસ્તાન તરફ સરકી રહ્યું હતું. પરંતુ બંગાળની ખાડીમાં ઉદભવેલા ચક્રવાત ‘મોન્થા’ની અસર હેઠળ આ ડિપ્રેશન હવે ગુજરાત તરફ ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફ ખેંચાયું છે. આગામી 48 કલાકમાં ડિપ્રેશન વેરાવળ અને કચ્છની વચ્ચેથી ભૂ ભાગમાં પ્રવેશી શકે છે. જેને કારણે હાલારના બન્ને જિલ્લાઓ પર બે દિવસ સુધી આ ડિપ્રેશન મંડરાયેલું રહી શકે છે. પરિણામે બન્ને જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ તેમજ 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન થવાની દહેશત પણ ઉભી થઇ છે. સોમવારે તે વેરાવળથી 570 કિ.મી.ના અંતરે હતું અને મંગળવારે સાંજના અહેવાલ મૂજબ તે 480 કિ.મી. દૂર હતું, એક દિવસમાં આશરે 100 કિ. મી.નજીક આવ્યું છે. વળી, આ ડિપ્રેશન સાથે ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના પગલે મધ્ય ગુજરાત થઈને અરબી સમુદ્રથી રાજસ્થાન સુધી સમુદ્ર સપાટીથી 1.5 કિ.મી. ઉંચાઈએ ભારે વરસાદ લાવે તેવું ટ્રફ સર્જાયો છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે સામાન્ય માવઠાં વરસાવે છે તે પણ સક્રિય છે. આમ, ગુજરાતમાં માવઠાંની માઠી દશા હજુ જારી રહેશે.

- Advertisement -

હવામાન વિભાગે બુધવારે (29 ઓક્ટોબર) અમરેલી, ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદની (ઓરેન્જ એલર્ટ) અને દક્ષિણ ગુજરાતના ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, સોમનાથ, બોટાદ જિલ્લા તેમજ દીવ-દમણમાં ભારે વરસાદની અને રાજ્યના અન્ય જિલ્લામાં 30-40 કિ.મી ઝડપે પવન સાથે તોફાની વરસાદની ચેતવણી જારી કરી છે.

ડિપ્રેશન મંગળવારે ઉત્તર-પૂર્વ દિશામાં એટલે કે સૌરાષ્ટ્ર ભણી કલાકના 7 કિ.મી.ની ઝડપે આગળ વધ્યું હતું અને આ જ દિશામાં આગળ વધવાનું પૂર્વાનુમાન છે. આ ઉપરાંત કેટલાક મોડેલો અનુસાર ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને વધુ તીવ્ર બની શકે છે.

- Advertisement -

ગુજરાતમાં ભારે વરસાદથી ખેડૂતોમાં ડિપ્રેશન લાવનાર અરબી સમુદ્રનું ડિપ્રેશન અને આંધ્રપ્રદેશ પર ત્રાટકતું વાવાઝોડું કે જેનું નામકરણ મોનથા થયું છે તેના વચ્ચે બહુ ફરક નથી. ડિપ્રેશન એ લો પ્રેશરમાંથી જન્મતી વરસાદી સિસ્ટમ છે જેમાં ગોળગોળ ઘુમતા પવનની ચક્રાકાર ગતિ 63 કિ.મી.થી ઓછી હોય છે અને ગતિ આથી વધે તો તેને વાવાઝોડા (સાયક્લોનિક સ્ટોર્મ)નું નામ અપાય છે. આ વાવાઝોડુ 118 કિ.મી.થી વધુ ચક્રાકાર ગતિએ પહોંચે તો તે સુપર સાયક્લોન બને છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular