કાલાવડ તાલુકાના મછલીવડ ગામથી અરલા ગામ તરફ જવાના રોડ પર લૂંટારૂ ટોળકી ઘાતક હથિયારો ઘારણ કરી લૂંટની તૈયારીમાં હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમએ પાંચ શખ્સોને રૂા. 4,22,980ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનાહિત ઈતિહાસ ધરાવતાં ગેંગના સભ્યોની વધુ પૂછપરછ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લામાં લૂંટારૂ ગેંગ ફરીથી સક્રિય થઇ હતી. આ ધાડપાડુ લૂંટારૂ ટોળકી કાલાવડ તાલુકાના મછલીવાડ ગામથી અરલા ગામ તરફ જવાના રોડ પર ઘાતક હથિયારો સાથે રોડ પરથી પસાર થતા વાહનચાલકોને લૂંટી લેવાની ફિરાકમાં હોવાની કાસમભાઇ બલોચ, દિલિપભાઇ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, ઋષિરાજસિંહ વાળાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
એલસીબીની ટીમએ રેઇડ દરમ્યાન નવાઝ જુમા દેથા સંધી (ઉ.વ.31, રહે. ગામ પીરલાખાસર, દેવભૂમિ દ્વારકા), અજય કારૂ સોલંકી દેવીપુજક (ઉ.વ.29, રહે. ઘંટેશ્વર, રાજકોટ), અલ્તાફ ઉર્ફે ભાયો ઇકબાલ બેલિમ (ઉ.વ.28, રહે. પરા પીપળિયા, રાજકોટ), મીત ઉર્ફે ગાંડો દિલીપ વાઘેલા (ઉ.વ.30, રહે. રૈયાધાર, રાજકોટ), વસીમ ઉર્ફે અંજુમ અબ્દુલ મુસાણી (ઉ.વ.25, રહે. પરા પીપળિયા, રાજકોટ) નામના પાંચ શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 1,36,800ની કિંમતનો 220 મીટર કોપર કેબલ વાયર, રૂા. 1,50,000ની કિંમતની ઇકો કાર, રૂા. 1,15,000ની કિંમતના ત્રણ બાઇક, રૂા. 20 હજારની કિંમતના ચાર મોબાઇલ ફોન તથા એક ગ્રાઇન્ડર મશીન અને કોઇતુ, છરી, ધારિયું, ધોકો, પાઇપ સહિતના ઘાતક હથિયારો મળી કુલ રૂા. 4,22,980ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાલાવડ (ગ્રામ્ય) પોલીસને સોંપી આપ્યા હતા. જેના આધારે એએસઆઇ આર. વી. ગોહિલ તથા સ્ટાફએ વધુ પૂછપરછ આરંભી હતી.
ઝડપાયેલા પાંચ શખ્સોની એલસીબી દ્વારા પૂછપરછ દરમ્યાન કાલાવડ (ગ્રામ્ય)માં નોંધાયેલા ચોરીના બે બનાવ તથા સિક્કામાં ચોરીનો એક બનાવ તેમજ કાલાવડ (ગ્રામ્ય)માં નોંધાયેલા સહિત ચાર ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. ઉપરાંત ઝડપાયેલા ધાડપાડુ લૂંટારૂ ગેંગના નવાઝ જુમા દેથા સંધી વિરૂઘ્ધ લાલપુર પોલીસ સ્ટેશનમાં જુદા જુદા 12 ગુના તથા ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં 19 ગુના, જામનગર સિટી ‘એ’ ડિવિઝનમાં એક ગુનો અને ભાણવડ પોલીસ સ્ટેશનમાં બે ગુના તથા દ્વારકા પોલીસ સ્ટેશનમાં બે ગુના અને મેઘપર, શેઠવડાળા, જામજોધપુરમાં એક-એક ગુનાઓ મળી કુલ 39 ગુનાઓ નોંધાયેલા છે.
અલ્તાફ ઉર્ફે ભાયો ઇકબાલ બેલિમ વિરૂઘ્ધ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સાત ગુના તથા વસીમ ઉર્ફે અંજુબ અબ્દુલ મુસાણી વિરૂઘ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના, મીત ઉર્ફે ગાંડો દિલીપ વાઘેલા વિરૂઘ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બે ગુના તેમજ અજય કાળુ સોલંકી દેવીપૂજક વિરૂઘ્ધ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલ છે. ઉપરાંત ધાડપાડુ લૂંટારૂ ગેંગના મુખ્ય સૂત્રધાર નવાઝ દેથા સંધી અગાઉ જામનગર અને દ્વારકા જિલ્લામાં પવનચક્કીના કેબલ વાયર ચોરીમાં ઝડપાયેલો હતો અને રાજકોટમાં રહેતાં નવાઝની ઘંટેશ્વર નજીક આવેલી ચાની હોટલે અન્ય ચાર સભ્યો સાથે ઓળખ થઇ હતી. ત્યારબાદ પવનચક્કીના અર્થિંગ કેબલ વાયર ચોરીમાં વધુ રૂપિયા મળે છે અને આ ચોરીમાં સાથે રહેશો તો સરખો ભાગ મળશે તેમ જણાવી અન્ય ચાર સાગરિતોને સાથે રાખ્યા હતા. આ પાંચેય ધાડપાડુ લૂંટારૂ ટોળકી રાત્રિના સમયે ઇકો કાર, એફઝેડ, એક્ટિવા તથા સ્પ્લેન્ડર લઇને પવનચક્કીના થાંભલા પર દોરડા વડે ચઢીને અર્થિંગના કોપર કેબલ વાયર ગ્રાઇન્ડર મશીનથી કાપી નીચે ફેંકતા હતા. ત્યારબાદ વાહનમાં ભરી અવાવરૂ જગ્યાએ લઇ જઇ કેબલમાંથી કોપર વાયર અલગ કરી નાખતા હતા. આ ધાડપાડુ લૂંટારૂ ટોળકી વિરૂઘ્ધ જામનગર, દ્વારકા અને રાજકોટ જિલ્લામાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ઘરફોડ ચોરી, વાહનચોરી, કેબલચોરી, મારામારી, દારૂ અને જુગારના ગુનાઓ નોંધાયેલા છે.


