લાલપુર તાલુકામાં પીપળી ગામના પાદરમાં લોકો વચ્ચે ઉભેલા વૃદ્ધને પિતા-પુત્રએ જાતિ પ્રત્યે અપમાનિત કરી પતાવી દેવાની ધમકી આપી ઢીકાપાટુનો અને પાઇપ વડે માર માર્યા બાદ મારી નાખવાની ધમકી આપવાના બનાવમાં પોલીસે એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતા ચનાભાઇ પરબતભાઇ મકવાણા (ઉ.વ.64) નામના નિવૃત્ત વૃદ્ધ ગત્ તા. 29ના રાત્રિના સમયે ગામના પાદરમાં લોકોની સાથે ઉભા હતા ત્યારે પ્રફૂલ્લ પુંજા ભરવાડ અને પુંજા પરબત ભરવાડ નામના બે પિતા-પુત્રએ ગેડિયો લઇને આવી, “તું અહીં શું કામ આવ્યો છે? આવવાની મનાઇ છેને? દેખાતો નહીંં નહીં તો…” જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી વૃદ્ધએ પોલીસમાં જાણ કરવાનું કહેતાં ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ ચનાભાઇના પુત્ર ધીરજને ઢીકાપાટુનો માર મારી પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. મારી નાખવાની ધમકી આપી પાઇપ વડે પિતા ઉપર પણ હુમલો કર્યો હતો. વૃદ્ધ પિતા ઉપર હુમલો કર્યાના બનાવમાં ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં બનાવની જાણના આધારે એસસી-એસટી સેલના ડીવાયએસપી મીત રૂદલાલ તથા સ્ટાફ દ્વારા વૃદ્ધના નિવેદનના આધારે તેના જ ગામના પિતા-પુત્ર વિરૂઘ્ધ એટ્રોસિટી, હુમલો અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.


