જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રી ઉત્સવ અને દશેરાના તહેવાર ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક અને શાંતિ ભર્યા વાતાવરણમાં ઉજવી શકાય, તેના માટે જામનગર જિલ્લાનું પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે, અને તમામ પ્રકારના ચુસ્ત પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.
પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ રેન્જના આઈજીપી અશોકકુમાર યાદવ તથા જામનગરના જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ના સીધા માર્ગદર્શન હેઠળ નવરાત્રી ના તહેવારમા જામનગર જીલ્લાના નાગરીકો શાંતિમય માહોલમા, ઉત્સાહભેર નવરાત્રીની ઉજવણી કરી શકે, તદઉપરાંત મહિલાઓની સુરક્ષાઓને ધ્યાને લઈને પોલીસ દ્વારા ખાસ સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારની ગરબી ખાતે વિશેષ પોલીસ અધિકારી-કર્મચારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામા આવશે. જામનગર જિલ્લામાં પાર્ટી પ્લોટમાં યોજાતા ૨૨ જેટલા કોર્મશીયલ ગરબા, તેમજ નાના મોટા 750 મળી કુલ 722 ગરબાં યોજાનાર છે. તેમજ દશેરા/વિજયાદશમી ની ઉજવણીના ભાગરૂપેની 06 જેટલી શોભાયાત્રા- તથા બે રાવણ દહનના કાર્યક્રમો યોજાનાર છે.
આ નવરાત્રીના તહેવારની ઉજવણીનો બંદોબસ્ત જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ની અધ્યક્ષતામાં 01 એ.એસ.પી., 04 ડી.વાય.એસ.પી.,21 પી.આઈ.,30 પી.એસ.આઈ. સહિત કુલ ૭૫ પોલીસ ઓફિસરશ તથા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો, ગ્રામ્ય રક્ષક દળ,તથા 45 જેટલા ટ્રાફિક શાખાના પોલીસ સ્ટાફ તથા ૭૨૫ પોલીસ સ્ટાફ સહિત સમગ્ર જામનગર જીલ્લામા આશરે ૮૦૦ જેટલા પોલીસ અધિકારીઓ તથા કર્મચારી સ્ટાફનો બંદોબસ્ત જાળવવામા આવશે.
જામનગર જીલ્લા પોલીસ દ્વારા ફોરવહીલ- 30, તથા ૧૧૨-જનરક્ષકની બોલેરો- 27 તથા પોલીસ બાઇક- 80 મળી કુલ-137 વાહનોની મદદ થી સતત બંદોબસ્ત પેટ્રોલીંગ રાખવામા આવશે, તેમજ 6 – ચેકપોસ્ટ પર વિડીયો ગ્રાફર દ્રારા વિડીયો ગ્રાફિ કરી, બોડીવોર્ન કેમેરા- ૨૦૬ તેમજ ૫૨ બ્રેથએનાલાંઈઝર મશીન નો ઉપયોગ કરી, પ્રોહીબિશનને લગત કાર્યવાહી તથા ફોરવ્હીલ કારમાં બ્લેક ફીલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો, મોડીફાય સાયલેન્સર, તેમજ વધુ સ્પીડમા વાહન ચલાવતા ચાલકો વિરૂધ્ધમાં મોટર વ્હીકલ એકટના કાયદા મુજબ કાર્યવાહી કરી, સધન વાહન ચેકીંગની કાર્યવાહી કરવામા આવશે.
નવરાત્રી તહેવારમાં જામનગર જિલ્લા ખાતે સોશ્યલ મીડીયા ઉપર સતત મોનીટરીંગ રાખી કુલ-12 ટીમો તથા પ્રિન્ટ/ઇલેકટ્રોનીક મીડીયા મોનીટરીંગની- 2 ટીમો તેમજ ’’નેત્રમ કમાન્ડ કંટ્રોલ’’ રૂમ દ્વારા તમામ પ્રકારનાં સોશ્યલ મીડીયા ઉપર સતત મોનીટરીંગ રાખવામાં આવશે. નવરાત્રી-ગરબાના તમામ આયોજકોએ 112-જનરક્ષક (’’પોલીસ ઈમરજન્સી’’ ’’મહિલા અભ્યમ’’) ઈમરજન્સી હેલ્પલાઈન વિગેરેના પોસ્ટરો તેમજ એલ.ઈ.ડી સ્કીન પર અવશ્ય પ્રદર્શિત કરવાના રહેશે, જેથી તમામ લોકો ઈમરજન્સી સમયમાં ઈમરજન્સી હેલ્પલાઈનનો ઉપયોગ કરી શકે.
નવરાત્રી તહેવારમા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક, મદદનીશ પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક તેમજ જિલ્લાના તમામ થાણા અધિકારીઓ દ્વારા પોતાના પોલિસ સ્ટેશન વિસ્તારમાં નવરાત્રી -દશેરા તહેવારની ઉજવણી અન્વયે તમામ ધર્મ-જ્ઞાતી,જાતિના લોકો વચ્ચે શાંતિમય અને ભાઈચારાની લાગણી જળવાઈ રહે,તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા- જાહેરનામાં તથા પોલીસ મહા નિર્દેશક અને ગુજરાત રાજ્ય ના મુખ્ય પોલીસ અધિકારી ના પત્રમા થયેલી સુચનાઓની ચુસ્તપણે અમલવાળી કરવા તાકીદ કરી છે.
આયોજકોએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે ગરબા સ્થળની બંને બાજુના 100 મીટર સુધી રોડ પર ટ્રાફિક જામ ન થાય, અને પાર્કિંગમાં કોઈ અવરોધ ન આવે. શંકાસ્પદ વાહન જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી કરવાની રહેશે. ગરબા કાર્યક્રમના આયોજકોએ ઈલેક્ટ્રીક ફીટીંગની યોગ્યતા અને ફાયર સેફ્ટી માટે જરૂરી વ્યવસ્થાઓ અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. ગરબા સ્થળ પર પાર્કિંગની વ્યવસ્થા આયોજકો દ્વારા સ્વયંસેવકો/સુરક્ષા ગાર્ડ દ્વારા કરવાની રહેશે,અને રસ્તા પર પાર્કિંગ હોવું જોઈએ નહીં.


