દેવભૂમિ દ્વારકા જિલ્લાનો માછીમાર યુવાન તેના ભાઇની સાળી સાથે બાઇક પર સિક્કા જતા હતા ત્યારે દ્વારકા-લીમડી હાઇવે પર ચરકલા નજીક પહોંચ્યા ત્યારે પૂરપાટ આવી રહેલા ટેન્કરે બાઇકને ઠોકરે ચઢાવતાં ગમખ્વાર અકસ્માતમાં યુવાન અને તેના ભાઇની સાળીનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચરકલા-દ્વારકા હાઈવે પર શનિવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે. માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા મહેમુદ જાફર લુચાણી (ઉ.વ.35) અને તેમના ભાઈની સાળી નસિમાબેન સુલેમાન પટેલીયા, શનિવારે બપોરના સમયે જીજે10-બીક્યુ-3884 નંબરના હોન્ડા સાઈન મોટરસાયકલ પર બેસીને બાઇક પર કામઅર્થે સિક્કા જઈ રહ્યા હતા. ત્યારે દ્વારકા લીંબડી હાઇવે પર ચરકલા પાસે પહોંચતા આ માર્ગ પર આવી રહેલા જીજે11-ડબલ્યુ-3600 નંબરના એક ટેન્કરના ચાલકે મહેમુદભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે ગંભીર રીતે ઘવાયેલા મહેમુદભાઈ તથા તેમના ભાઈના સાળી નસીમાબેનના ઘટનાસ્થળે જ બંનેના કરુણ મોત થયા હતા.
અકસ્માતની જાણ થતાં દ્વારકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે દ્વારકાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના આ બનાવ અંગે દ્વારકા પોલીસે મૃતકના મોટાભાઈ કાબીલભાઈની ફરિયાદ પરથી ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


