કચ્છ થી શ્રાવણ માસ દરમિયાન બે અલગ અલગ વાહનોમાં ભેંસ વર્ગના 21 જેટલા પાડા (જીવ)ને ખીચોખીચ ભરીને જામનગર કતલખાને મોકલવામાં આવતા હોવાની અને આગળ એક કાર મારફતે તેનો પાયલોટિંગ થતું હોવાની માહિતીના આધારે મોરબીની ગૌરક્ષક ની ટીમે કચ્છના માળીયાથી લઈને છેક જામનગરના જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા સુધી અલગ અલગ વાહનોમાં પીછો કરીને અટકાવ્યા હતા, અને જોડિયા પોલીસમાં સુપ્રત કરી દીધા હતા. જોડિયા પોલીસે ગૌરક્ષક ની ફરિયાદના આધારે કચ્છના ત્રણ કસાઈ શખ્સો સામે ગુનો નોંધી, બે વાહનો કબજે કરી લઈ 21 અબોલ જીવોને રાજકોટની પાંજરાપોળમાં મોકલી આપ્યા છે.
આ કાર્યવાહી અંગેની વિગતો એવી છે કે મોરબીના વતની અને અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ પાર્થ મનસુખભાઈ નેસડિયા કે જેઓને ચોક્કસ માહિતી મળી હતી કે બે બોલેરો વાહનમાં કચ્છથી કેટલાક અબોલ જીવોને ભરીને રાત્રિ દરમિયાન જામનગરના કતલખાને મોકલવામાં આવી રહ્યા છે, અને એક કાર મારફતે તેનું પાયલોટિંગ પણ થઈ રહ્યું છે, તેવી માહિતીના આધારે પાર્થ નેસડીયા તથા તેઓની સાથે ના કુલ 15 જેટલા ગૌરક્ષકો કે જેવો અલગ અલગ ચાર વાહનોમાં તૈયાર હતા, જે દરમિયાન વહેલી સવારે પાંચ વાગ્યે માળિયા પાસેથી બે બોલેરો વાહન પસાર થતાં તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન પાયલોટિંગ કરી રહેલી કાર અને બંને બોલેરો ના ચાલકોઈ ફૂલ સ્પીડમાં વાહન હંકારી મૂક્યા હતા, જેથી ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ત્યાંથી તેઓ માનપર પાસે રોકાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ત્યાં પણ રોકાયા નહતા. અને છેક જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા હાઇવે રોડ પર ખેડૂતનું એક ટ્રેક્ટર આડું મૂકી દેતાં બંને બોલેરોને અટકાવવામાં સફળતા મળી હતી. જોકે પાયલોટિંગ કાર આગળ ભાગી છૂટી હતી.
જેઓએ અટકાવેલા બંને વાહનોમાં પશુ અંગેનું ચેકિંગ કરતાં અંદરથી કુલ 21 નંગ ભેંસ વર્ગના પાડા (જીવ) ખીચોખીચ ભરેલા જોવા મળ્યા હતા, તેથી તરત જ જોડીયા પોલીસને જાણ કરી હતી.
જેથી જોડિયા પોલીસે પાર્થ નેસડીયાની ફરિયાદ ના આધારે કચ્છ ભુજ ના જબ્બાર ગુલાબીભાઈ ફકીર, અકુડાભાઈ હયાતભાઈ ફકીર, તેમજ રાયબ ભાઈ નિઝામુદ્દીનભાઈ ફકીર ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી જી.જે. -12 સિટી 0062 અને જી.જે.12 બી.ઝેડ 4341 નંબરના બે બોલેરો પીકપ વાહનો કબજે કરી લેવામાં આવ્યા છે, ઉપરાંત એક વાહનમાં 13 જીવ અને બીજા પાનમાં 8 જીવ મળી કુલ 21 જેટલા ભેંસ વર્ગ ના પાડાઓને બચાવી લક રાજકોટના પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યા છે.
જોડિયાના પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.ડી.શિયાર એ પાર્થ નેસડીયા ની ફરિયાદ ના આધારે ત્રણેય ખાટકી શખ્સો સામે પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાનો અધિનિયમની કલમ 11(1) ડી,11(1)ઇ,11(1)એચ. અને 11 (1)કે તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 54 મુજબ ગુનો નોંધ્યો છે.
આમ મોરબી પંથકના ગૌરક્ષકો ની જાગરૂકતા ના કારણે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન 21 જેટલા અબોલ પ્રાણી જીવોને બચાવવામાં સફળતા મળી છે.


