જામનગરની જિલ્લા જેલમાં રાજ્યના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ અને પ્રિઝન્સ એન્ડ કરેક્શનલ એડમિનિસ્ટ્રેશન અધિકારીએ મુલાકાત દરમ્યાન જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ તથા સ્ટાફને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપી કેદીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
મળતી વિગત મુજબ જામનગરની જિલ્લા જેલમાં બુધવારે ગુજરાત રાજ્યાના પ્રિઝન્સ એન્ડ કરેક્શનલ એડમિનિસ્ટ્રેશન અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ અશ્ર્વિન ચૌહાણ મુલાકાતે આવ્યા હતા. તેમની જામનગર જિલ્લા જેલની મુલાકાત દરમ્યાન જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ એન. એસ. લોહાર, જેલર બલભદ્રસિંહ રાયજાદા તથા જોગાજી જે. ઠાકોર, હેમંતભાઇ બારડ, રવિરાજસિંહ વી. જાડેજા સહિતના સ્ટાફ સાથે બેઠક યોજી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યા હતા. જેલમાં રહેલા કાચા, પાકા, વિદેશી, મહિલા બંદીવાનો સાથે વાર્તાલાપ કરી તેમને સુધારાત્મક વહીવટનો લાભ લઇ સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા તેમજ જેલમાં રહેલા બાળકો સાથે હળવી ક્ષણો વિતાવી હતી.


