જામનગર શહેરમાં ખંભાળિયા રોડ પર આવેલી ચેમ્બર કોલોની વિસ્તારમાં ઝાડ કાપવા માટે ઉપર ચઢેલા યુવાનને અગિયાર ફિડર કે.વી. વીજવાયર અડકી જતાં વીજશોક લાગતાં સ્થળ પર જ મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
View this post on Instagram
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના ખંભાળિયા રોડ પર આવેલી વિશાલ હોટલ નજીક આવેલી ચેમ્બર કોલોનીમાં ગઇકાલે સાંજના સમયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામનો વતની કિરણભાઇ બાબુભાઇ ચાવડા (ઉ.વ.26) નામનો યુવાન ઝાડ કાપવા માટે ચઢયો હતો. ઝાડ કાપતો હતો તે દરમ્યાન થાંભલા નંબર 11, ફિડર કે.વી.નો પસાર થતાં વીજ વાયરને અડકી જતાં વીજશોક લાગતાં ઝાડમાં ફસાઇને બેશુઘ્ધ થઇ ગયો હતો. સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. જ્યાં ટીમએ ઝાડમાં ફસાયેલા યુવાનને મહામહેનતે નીચે ઉતાર્યો હતો. પરંતુ તે પહેલાં જ તેનું મોત નિપજયું હતું.
આ બનાવ અંગેની જાણ થતાં એએસઆઇ ટી. કે. ચાવડા તથા સ્ટાફ સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં તેમણે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી આરંભી હતી.


