જામનગર શહેરમાં મીરા દાતાર દરગાહ પાછળના વિસ્તારમાં રહેતાં મહિલા જે તેના સાસુ સાથે ઘરની બહાર કપડાં ધોતા હતા. ચાર શખ્સોએ આવીને ગાળાગાળી કરી મહિલાના વાળ ખેંચી ધોકા વડે હુમલો કરી મહિલાના પતિને મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં મીરા દાતારની દરગાહ પાછળ આવેલા વિસ્તારમાં રહેતા નાઝિયાબેન ઇમરાન બલોચ (ઉ.વ.38) નામના મહિલા ગત્ તા. 13ના રોજ સવારના સમયે તેના ઘરે સાસુ સાથે કપડાં ધોતાં હતાં ત્યારે ઝાકિર મહમદ મકરાણી નામના શખ્સે આવીને મહિલાની ડોલને લાત મારી, ગાળાગાળી કરી મહિલાના વાળ ખેંચતા રાળારાડી થઇ હતી. જેથી અલ્ફાઝ ઝાકિર મકરાણી, અફઝલ ઝાકિર મકરાણી, આસિફ ઝાકિર મકરાણી નામના ત્રણ શખ્સો દોડી આવ્યા હતા. ચારેય શખ્સોએ નાઝિયાબેન સાથે ઝપાઝપી કરી મારામારી કરતાં મહિલાના સાસુ વચ્ચે પડયાં હતાં. દરમ્યાન ચારેય શખ્સોએ લાકડાંના ધોકા વડે મહિલા તથા તેના સાસુ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી ગાળાગાળી કરી હતી. મહિલાના પતિને મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા સાસુ-વહુને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. એમ. આર. પરમાર તથા સ્ટાફએ ચાર શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


