જામનગર શહેરના ગુલાબનગર પાસે આવેલા પ્રભાતનગર વિસ્તારમાં રહેતાં શખ્સે તેની પત્ની દ્વારા બનાવાયેલું શાક બળી જતાં ઉશ્કેરાઇને ગર્ભવતી પત્નીને સાવરણી વડે માર મારી, ધક્કો મારી પછાડી દઇ, ગર્ભમાં રહેલા સંતાનનું મોત નિપજાવ્યાની ક્રૂરતાપૂર્વકની ઘટનામાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ક્રૂરતાપૂર્વકની ઘટનાની વિગત મુજબ જામનગર શહેરમાં ગુલાબનગર પાસે આવેલા પ્રભાતનગર વિસ્તારમાં રહેતા મનિષાબેન લક્ષ્મણભાઇ સોલંકી (ઉ.વ. 31) નામના મહિલાને પાંચ માસનો ગર્ભ હતો. દરમ્યાન ગત્ તા. 14ના સોમવારે મનિષાબેન દ્વારા બનાવાયેલું શાક બળી ગયું હતું. પત્ની દ્વારા રસોઇમાં બનાવાયેલું શાક દાઝી જતાં પતિ લક્ષ્મણ સોમા સોલંકીએ ઉશ્કેરાઇને પત્નીને ઢીકાપાટુનો માર માર્યો હતો. માથાના ભાગે શાકનું તપેલું ઝીંકી દીધું હતું. ત્યારબાદ ક્રોધ શાંત ન થતાં સાવરણી વડે મનિષાબેનને ઢોર માર માર્યો હતો. તેમ છતાં ગુસ્સો શાંત ન થતાં આક્રોશમાં પતિએ ગર્ભવતી પત્નીને સાવરણીના બે થી ત્રણ ઘા મારી, ધક્કો દઇ નીચે પછાડી દીધી હતી. પતિ દ્વારા કરાયેલા હુમલામાં પતિ દ્વારા પટકાયેલી ગર્ભવતી મહિલાના ગર્ભમાં રહેલા પાંચ માસના સંતાનનું મોત નિપજયું હતું. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ગર્ભમાં રહેલા બાળકનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું.

આ બનાવ અંગેની મનિષાબેન દ્વારા જાણ કરાતા પીએસઆઇ વી. આર. ગામેતી તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મહિલાના નિવેદનના આધારે તેણીના પતિ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


