જામનગરના યુવાનને શેરબજારમાં ઓનલાઈન રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપી રૂા.28.36 લાખની છેતરપિંડીની સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા સાઈબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતાં 27 વર્ષિય યુવાનને તેના મિત્રએ રાહુલ વાસાણી પાસે ઓનલાઈન શેરબજારમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ આપી હતી. જેની વાત માની રાહુલ સાથે વાત કરતા તેણે ઓનલાઈન શેરબજારમાં હાલ ઉંચા વળતર મળતા હોવાનું જણાવ્યું હતું. તેમજ નવેમ્બર 2024 થી ફેબ્રુઆરી 2025 અલગ અલગ ઈન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું. જેમાં ઈન્વેસ્ટમેન્ટમાં સારો પ્રોફિટ લાખોનો થયો હોવાનું બતાવી જે બાદ આ રકમ પરત આપવા માટે રાહુલ વાછાણીને ફોન પર જણાવતા તેણે ઓનલાઈન માર્કેટીંગ ઈન્વેસ્ટ થયા હોવાથી પરતમાં સમય લાગશે તેમ જણાવેલ અને બાદમાં આ રકમ પરત ન મળતા સાઈબર ક્રાઈમને સમગ્ર મામલે લેખિત ફરિયાદ કરી હતી. જે ફરિયાદ મુજબ રાહુલ વાછાણીએ ફરિયાદીના ખાતામાંથી પોતાના ખાતામાં લાખોની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી એન શેરમાર્કેટમાં કોઇપણ પ્રકારનું રોકાણ ન હોવાનું ઇન્વેસ્ટમેન્ટ એપમાં ફેક પ્રોફિટ બતાવી રૂા.19.36 લાખ તથા તેના મિત્ર રૂા.9 લાખ મળી કુલ રૂા. 28.36 લાખની ઓનલાઈન ટ્રાન્જેકશનથી મેળવી પરત ન આપી છેતરપિંડી કરતા સાઈબર ક્રાઇમ હેલ્પલાઈન 1930માં જાણ કરી બાદમાં સમગ્ર મામલે જામનગર સાઈબર ક્રાઈમ પોલીસને ફરિયાદ નોંધાવી હતી. ઉંચા વ્યાજની લાલચે ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટના નામે બે યુવાનોએ લાખોની રકમ ગુમાવી છે. જે ફરિયાદ સાઈબર ક્રાઈમને મળતા ટીમે ઉંડાણપુર્વકની તપાસ હાથ ધરી હતી.


