અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા જામનગરના પરમાર દંપત્તિના ડીએનએ મેચ થયા બાદ તેમના મૃતદેહ પરિવારને સોંપાયા હતાં. આજરોજ જામનગરમાં દિવંગત દંપત્તિની સ્મશાનયાત્રા નિકળતાં ભારે ગમગીની છવાઇ હતી. સાંસદ તથા શહેર ભાજપ પ્રમુખ પણ ઉપસ્થિત રહી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી અને દંપત્તિને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
તાજેતરમાં તા. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જઇ રહેલ એર ઇન્ડિયાનું વિમાન ટેક ઓફ થયાના થોડી જ ક્ષણોમાં મેઘાણીનગર ખાતે ક્રેશ થયું હતું. જેમાં અનેક મુસાફરોના કરૂણ મૃત્યુ નિપજ્યા હતાં. આ વિમાનમાં જામનગરના શૈલેષભાઇ ગોવિંદભાઇ પરમાર (ઉ.વ.60) તથા તેમના પત્નિ નેહલબેન શૈલેષભાઇ પરમાર (ઉ.વ.52) પણ સવાર હતાં. આ દંપત્તિનું પણ આ પ્લેન દુર્ઘટનામાં દુર્ભાગ્યપૂર્ણ રીતે અવસાન થયું હતું. આ મૃતક દંપત્તિના ડીએનએ મેચ થતાં મૃતક દંપત્તિના મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતાં. આ મૃતદેહ આજે સવારે જામનગર લાવવામાં આવ્યા હતાં. જામનગરમાં ગુરુ દત્તાત્રેય રોડ, પેલેસ જૈન દેરાસર પાસે આવેલ ગોવિંદભાઇ પરમકારના નિવાસસ્થાન ‘ઓમ’ ખાતે મૃતદેહો પહોંચતાં પરિવારમાં ભારે આંક્રદ છવાયો હતો.
સવારે 11 વાગ્યે જામનગરના આ દંપત્તિની અંતિમ યાત્રા નિકળી હતી. આ અંતિમયાત્રા પૂર્વે હાલારના સાંસદ પૂનમબેન માડમ તથા જામનગર શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, જામનગર મહાનગરપાલિકા શાસકપક્ષના નેતા આશિષભાઇ જોશી, કોર્પોરેટર કિશનભાઇ માડમ સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી મૃતક દંપતિના પરિવારને મળી સાંતવના પાઠવી હતી અને દુ:ખની આ પળોમાં સહાનુભૂતિ વ્યક્ત કરી હતી તથા દંપત્તિની અંતિમયાત્રામાં જોડાયા હતાં. વિમાન દુર્ઘટનાના હતભાગી દંપત્તિની સજોડે સ્મશાનયાત્રા નિકળતાં વિસ્તારમાં પણ ભારે ગમગીનીના દ્રશ્યો જોવા મળ્યા હતાં.


