જામનગર શહેરમાં ગઇકાલે માત્ર ઝાપટા જેવા વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ જતાં પીજીવીસીએલની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઇ હતી અને તંત્ર દ્વારા થતી પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ ઉપર જ થતી હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહયું છે. અંધારપટથી લોકોમાં નારાજગી સાથે રોષની લાગણી છવાઇ હતી.
View this post on Instagram
જામનગર શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ છવાયું છે. ગઇકાલથી વરસાદના આગમન સાથે ચોમાસાનો પ્રારંભ થઇ ચૂકયો છે. દર વર્ષેે ચોમાસા પૂર્વે પીજીવીસીએલ દ્વારા લાખોના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવે છે. આમ છતાં દર વર્ષે પીજીવીસીએલની પ્રિ-મોનસુન કામગીરી કેવી હોય છે તે સામે આવી જ જાય છે. આ પરિસ્થિતિ ફરી વખત આ વર્ષે પણ જોવા મળી છે. ગઇકાલે જામનગર શહેરમાં વરસાદી ઝાપટા જેવો સામાન્ય વરસાદ વરસ્યો હતો. ત્યાં જ અડધા શહેરમાં વિજળી ગુલ થઇ ગઇ હતી. જામનગરમાં 11 કે.વી. વિજલાઇનમાં ફોલ્ટ સર્જાતા જામનગર શહેરના સાત રસ્તા, વાલકેશ્ર્વરી નગરી, બેડીગેઇટ, પંચેશ્ર્વર ટાવર, પટેલ કોલોની સહિતના અનેક વિસ્તારોમાં અધારપટ છવાયો હતો. લોકોના ઘરોમાં વિજળી ગુલ થવાની સાથે સ્ટ્રીટલાઇટો પણ બંધ થઇ જતાં અંધારપટ જોવા મળ્યો હતો. માત્ર વરસાદી ઝાપટા અને હજુ તો ચોમાસાની શરૂઆત થઇ છે ત્યાં આવા હાલ છે. ત્યારે આગામી સમયમાં શું થશે ?
પીજીવીસીએલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિ-મોન્સુન કામગીરીના નામે અનેક વખત કલાકો સુધી વિજ પુરવઠો બંધ કરી ઉનાળાની ગરમીમાં શહેરીજનોને બાનમાં લીધા હતા. આમ છતાં માત્ર શરૂઆતી વરસાદના તબકકામાં જ વિજળી ગુલ થઇ જતાં પીજીવીસીએલની પોલ ખુલી ગઇ હતી. લોકોમાં નારાજગી સાથે પ્રિ-મોન્સુન કામગીરીમ ાત્ર કાગળ ઉપર જ થતી હોય તેવું લોક મુર્ખે ચર્ચાઇ રહયું છે. પીજીવીસીેએલને કારણે શહેરીજનો અંધારપટનો ભોગ બન્યા હતા.


