જામનગર તાલુકાના જાંબુડા ગામમાં રહેતા ખેડૂત પ્રૌઢની રાઇ અને જીરાનો પાક મોટી બાણુંગારના વેપારી પિતા-પુત્રએ ખરીદ કરી બે ખેડૂત સાથે રૂા. 2,57,000ની છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વિશ્વાસઘાતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના જાંબુડા ગામમાં રહેતાં અને ખેતી કરતાં સુરેશભાઇ પરસોત્તમભાઇ કાનાણી (ઉ.વ.55) નામના પટેલ પ્રૌઢની ખેતીની જણસી રાઇ અને જીરૂનો પાક વેચાણ માટે મોટી બાણુંગાર ગામના પ્રભુલાલ હીરજીભાઇ ભેંસદડિયા અને પુત્ર વિશાલ ભેંસદડિયા નામના બન્ને વેપારી પિતા-પુત્રએ ખરીદ કર્યો હતો. આ જણસીની ખરીદીમાં રૂા. 3,70,756 સુરેશભાઇને ચૂકવવાના હતા. જે પેટે રૂા. 3 લાખ ચૂકવ્યા હતા અને બાકીના રૂા. 70,756 ચૂકવવાના બાકી હતા. તેમજ તુષારભાઇ વસંતભાઇ સાપોવડિયાની જણસી પેટે રૂા. 3,86,468 ચૂકવવાના હતા. જે પૈકી રૂા. બે લાખ પિતા-પુત્રએ ચુકવ્યા હતા. બાકી નીકળતા રૂા. 1,86,468 ચુકવ્યા ન હોવાથી સુરેશભાઇ અને તુષારભાઇ દ્વારા બન્નેની બાકી નીકળતા રૂા. 2,57,223ની ઉઘરાણી કરવા છતાં આ રકમ વેપારી પિતા-પુત્ર દ્વારા ચૂકવવામાં ન આવતા આખરે બન્ને ખેડૂતોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એએસઆઇ ડી. એસ.રાઠોડ તથા સ્ટાફે મોટા બાણુંગારના પિતા-પુત્ર વિરૂઘ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


