જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં યુવાન સાથે લગ્ન કરાવવાના બહાને રાજકોટની યુવતી સહિતના 6 શખ્સો દ્વારા રૂા. 2 લાખની છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કુંવારા યુવાનોની સાથે લગ્ન કરાવવાના બહાને છેતરપિંડીના બનાવો બનતા જાય છે. આવા કેસોમાં લગ્નના પ્રથમ સપ્તાહમાં મોટાભાગે દુલ્હન પલાયન થઇ જતી હોય છે. દરમ્યાન જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર 9માં રહેતા જીજ્ઞેશ ગુણવંતરાય ખેતિયા (ઉ.વ.46) નામના યુવાનના લગ્ન કરાવી દેવા માટે જામનગરના મીતાબેન ખેતિયા તથા રાજકોટના મુકેશ ભીખા મકવાણા નામના બે શખ્સએ રાજકોટની નૂરીબેન સાથે લગ્ન કરાવવા માટે વિશ્વાસમાં લીધો હતો અને ત્યારબાદ આ લગ્ન પેટે મીતાબેન તથા મુકેશભાઇએ જીજ્ઞેશ પાસેથી રૂા. 1.80 લાખ પડાવી લીધા હતા. જે પૈકીના રૂા. 1.20 લાખ મુકેશભાઇએ તથા રૂા. 20 હજાર મીતાબેને રાખ્યા હતા. બાકીના રૂપિયા રાજકોટમાં રહેતી નૂરીબેન તથા તેનો ભાઇ તથા ભાભીને શબ્બીર નાગોરી મારફત આપ્યા હતા. ત્યારબાદ મુકેશભાઇએ જીજ્ઞેશને રૂા. 20 હજાર પરત આપ્યા હતા. જે રકમ મીતાબેને શબ્બીરભાઇને અપાવી દીધી હતી.
આમ, જામનગરના વિપ્ર યુવાન સાથે લગ્ન કરાવી દેવાના બહાને રાજકોટની યુવતી સહિત 6 શખ્સોએ રૂા. 1,80,000ની છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યો હતો. ત્યારબાદ જીજ્ઞેશ સાથે લગ્નના નામે છેતરપિંડીમાં પોલીસ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ જે. પી. સોઢા તથા સ્ટાફએ ત્રણ મહિલા સહિત છ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


