જામજોધપુર તાલુકાના જામવાડી ગામના પાટિયા નજીકથી બસમાંથી ઉતરી રસ્તો ક્રોસ કરતાં યુવાનને પુરપાટ આવી રહેલા કારચાલકે ઠોકર મારી હડફેટ લેતાં ગંભીર ઇજા પહોંચતા યુવાનનું મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતા રમણિકભાઇ મૂળજીભાઇ ખાંટ નામના નિવૃત્ત વૃધ્ધનો પુત્ર તુષારભાઇ રમણિકભાઇ ખાંટ (ઉ.વ.45) નામનો યુવાન ગત્ તા. 23 મેના રોજ રાત્રિના પોણા નવ વાગ્યાના અરસામાં રાજકોટથી ખાનગી બસમાં આવ્યો હતો અને જામવાડી ગામના પાટિયા પાસે બસમાંથી ઉતરી ગામ તરફ જવા માટે રસ્તો ક્રોસ કરતો હતો તે દરમ્યાન ત્રણ પાટિયા તરફથી પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલી અજાણી કારના ચાલકે તુષારને ઠોકર મારી હડફેટ લીધો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં તુષારને પગમાં તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ કારચાલક નાશી ગયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું શનિવારે સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પિતા રમણિકભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ વી. આર. જોરિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અજાણ્યા કારચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


