જામનગર મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજરોજ હર ઘર એક વૃક્ષ વાવીએ અને પર્યાવરણનું જતન કરીએ, એક પેડ મા કે નામ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજણી કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય, મેયર, કમિશનર સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.
પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ એટલે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને કાર્યવાહી કરવા પ્રેરવાનો મહત્ત્વપૂર્ણ દિવસ છે. કેન્દ્ર અને રાજ્યસરકાર દ્વારા પર્યાવરણ પખવાડિયાની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગર સહિત હાલાર પંથકમાં આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા હતાં. જામનગર મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે હર ઘર એક વૃક્ષ વાવીએ અને પર્યાવરણનું જતન કરીએ તથા એક પેડ મા કે નામ અંતર્ગત જામનગરમાં ટીપી સ્કીમ નંબર 3/એ, ફાઇનલ પ્લોટ નંબર 66, હાપા વિસ્તાર, આવાસ યોજના પાસે વૃક્ષારોપણ તથા રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે જામનગરના મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, જામનગર (ઉત્તર) વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, જામનગર (દક્ષિણ) વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, દંડક કેતનભાઇ નાખવા, મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, કોર્પોરેટરો પાર્થભાઇ જેઠવા, અરવિંદભાઇ સભાયા, મનિષભાઇ કટારિયા, ગોપાલભાઇ સોરઠિયા સહિતના અગ્રણીઓ, અધિકારીઓ તથા વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.
જામનગરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર કોર્ટ દ્વારા પણ વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પર્યાવરણ બચાવવા તથા ગ્લોબલ વોર્મિંગથી બચવા વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર કરવા પર્યાવરણ દિવસ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ડિસ્ટ્રીક્ટ પ્રિન્સીપાલ જજ એન. આર. જોષીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર બાર એસો.ના પ્રમુખ ભરતભાઇ સુવા સહિતના અગ્રણીઓ-વકીલો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
જામનગર નજીક આવેલા ચેલામા એસઆરપીનુ હેડક્વાર્ટર આવેલુ છે. જયાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજીને અનોખી રીતે તેની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને નવી પેઢીને પર્યાવરણ અંગે માહિતી મળે અને રુચિ કેળવાય તે હેતુથી નાના ભૂલકાઓના હાથેથી જ 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમજ એ વૃક્ષને જે બાળકે વાવ્યું હોય તેનું નામ આપવામાં આવ્યું છે, જેથી બાળકોને તે વૃક્ષ પોતાના પરિવાર જેવું સમજી તેના પ્રત્યે લાગણી સાથે જોડાઈ અને પર્યાવરણ અંગે બાળકોમાં જાગૃતતા કેળવાય તે હેતુથી વૃક્ષારોપણ કરી તેના જતન માટેના શપથ લેવામાં આવ્યા હતા. એસઆરપીના સેનાપતિ કોમલ વ્યાસ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આ પ્રકારે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
ચેલા એસઆરપી હેડકવાટર માં આશરે 92 એકર જમીન માં આશરે 14 હજારથી પણ વધુ વૃક્ષોનું વન બન્યું છે. એસઆરપીની ટીમ દ્વારા દર વર્ષે આશરે 3500 જેટલા વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવે છે. જેમાં પીપળો, લીમડો, વડલો, જાંબુડો, આસોપાલવ, બખાઈ, સેતુર, અંજીર, દાડમ, ચીકુ, સીસમ, સાગ, નાળિયેરી ગુલાબ સહિતના વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. એસઆરપી હેડ ક્વાર્ટર તેમજ રહેણાક વિસ્તારમાં વન અને બગીચાઓ એસઆરપીના જવાનો દ્વારા જ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એસઆરપી કેમ્પ ની અંદર પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી નો પ્લાસ્ટિક ઝોનની કડક અમલવારી કરવામાં આવે છે. તેમજ વૃક્ષોમાંથી પડેલા પાંદડાઓને એકઠા કરીને તેનું ખાતર બનાવવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષોનું મોટું વન બનવાના કારણે અહીં અનેક વિવિધ પ્રકારના પક્ષીઓ માટેનું આશ્રય સ્થાન બન્યું છે, જે માટે પક્ષીઓના માળા ઉપર એસઆરપીના જવાનો દ્વારા અહીં મૂકવામાં આવ્યા છે. એસઆરપી કેમ્પ ની અંદર પર્યાવરણને લગતી પ્રવૃત્તિ માટે મદદનીશ સેનાપતિ એન એમ પટેલ સતત કાર્યશીલ રહીને એસઆરપીને જવાનો સાથે મળી નિયમિત સમધાન કરી વૃક્ષોનું વાવેતર અને જતન કરતા હોય છે….


