Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજી જી હોસ્પિટલમાં અસંખ્ય કર્મચારીઓના ડબલ પગાર મુકાતા હતા...!!!

જી જી હોસ્પિટલમાં અસંખ્ય કર્મચારીઓના ડબલ પગાર મુકાતા હતા…!!!

જામનગરની જી. જી. હોસ્પિટલમાં આઉટસોર્સના એક યુવક અને એક યુવતી એમ બે કર્મચારીઓ સામે રૂા. 17.20 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાયા બાદ પોણા બે વર્ષથી ચાલતા આ પ્રકરણમાં અમુક કર્મચારીઓના પગાર-ભથ્થાના બે વખત બીલો મૂકાતા અને એકમાં કર્મચારીના બેન્ક એકાઉન્ટ અને બીજામાં અન્ય બેન્ક એકાઉન્ટ લખવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

ગાંધીનગરથી તબીબી શિક્ષણ વિભાગના અધિકારીઓએ આવીને કેટલુંક રેકર્ડ હસ્તગત કર્યું છે. જી જી હોસ્પિટલના વહીવટી મેડિકલ ઓફિસર ડો. બી. સી. કણસાગરાએ તા. 1 જૂનના નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ભાર્ગવ વિજયભાઇ ત્રિવેદી અને દિવ્યા જયેશભાઇ મુંગરા નામના બે આઉટસોર્સના કર્મચારી દ્વારા વર્ગ 1 થી 4ના કર્મચારીઓના પગાર બીલો અને અન્ય ભથ્થાના બિલોમાં ઓક્ટોબર 2023 થી તા. 2 એપ્રિલ 2025 દરમ્યાન કર્મચારીઓના નામ સામે પોતાના બેન્ક એકાઉન્ટ નંબર તેમજ તેમના સગાના બેન્ક એકાઉન્ટ નંબરની એન્ટ્રી કરીને બે પગાર બિલો વચ્ચેના 10-15 દિવસના ગાળામાં અલગ અલગ બિલો બનાવીને સરકારી નાણા ઉચાપત કરીને પોતાના અંગત ફાયદામાં ઉપયોગમાં લીધા હતા. ફરિયાદ ઉપરથી પોલીસ તપાસ ચાલુ છે પરંતુ આ પ્રકરણ બહાર આવ્યું કેવી રીતે? તેના જવાબમાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, મે માસના બે કર્મચારીઓના પગાર બિલ ટ્રેઝરી ઓફિસમાં જમા થયા બાદ કલાર્કને બન્ને બિલમાં એક જ એકાઉન્ટ નંબર જોવા મળતા શંકા ઉપજી હતી. તેથી તેઓએ હોસ્પિટલના વહીવટી અધિકારીઓને જાણ કરતાં જે તે હિસાબી વિભાગની તપાસ કરવામાં આવતા ખાતા નંબર આઉટસોર્સના કર્મચારીનો નીકળતા હોબાળો મચ્યો હતો. આથી આ આખો મામલો બહાર આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular