દ્વારકા પંથકના દરિયામાં જૂનથી ઓગસ્ટ સુધી ભારે કરંટ જોવામાં મળે છે. જેમાં ખૂબ ઊંચે ઊંચે મોજા ઉછળતા હોય છે, તેમજ દરિયાના પાણીમાં તોફાન જોવા મળતું હોય છે. તેમાં દ્વારકાની ગોમતી નદી દરિયા સાથે સંલગ્ન હોય, આ તોફાનની અસર ક્યાંક ને ક્યાંક ગોમતી નદીના પાણીમાં પણ જોવા મળતી હોય છે. ત્યારે બહારગામથી અહીં આવતા યાત્રિકોને આ બાબતે અજાણ હોય, પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવાનો મહિમા હોવાથી તેમાં સ્નાન કરવા જતા હોય છે.
હાલમાં દ્વારકા ખાતે દરિયામાં જોવા મળેલા કરંટને કારણે ગઈકાલે સોમવારે મેધપરના રહેવાસી ગોરધનભાઈ નામના આશરે ઉમર 85 વર્ષના વૃદ્ધ ગોમતી નદીમાં જતા તણાઈ ગયા હતા. ઘાટ પર રહેલા પોલીસકર્મીઓ તથા સ્થાનિક તરવૈયાઓએ વૃદ્ધને ગોમતી નદીમાંથી બહાર કાઢી તેમને સારવાર અર્થે દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર રહેલા ડોક્ટરો દ્વારા તાત્કાલિક સારવાર અપાઇ હતી, પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલા વૃદ્ધના શ્વાસ થંભી ગયા હતા. અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે.


