દ્વારકા જિલ્લામાં મોબાઇલ ફોન ઉપર ઓનલાઇન એપ્લીકેશન વડે જુગાર રમવા જેવા દૂષણોને પ્રેરે તેવા ગેમિંગ પ્રમોશન તથા સોશિયલ મિડિયાના ચાર ઈન્ફલુએન્ઝરની ખંભાળિયા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા દ્વારકા જિલ્લામાં ઓનલાઇન ગેમિંગ દ્વારા સાયબર ફ્રોડ થાય તેવા ગુના શોધવા કરેલ સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક ડો. હાર્દિક પ્રજાપતિ-ખંભાળિયાના માર્ગદર્શન સાયબર ક્રાઇમના ઇન્ચાર્જ પીઆઇ બી. જે. સરવૈયા દ્વારા સાઇબર ક્રાઇમ પોલીસ અને ખંભાળિયા પોલીસની ખાસ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા દ્વારકા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી ભરત અરજણ લગારિયા, સુમાત મશરી ચાવડા, દીપક લખમણ સાંથલપરા, કેશુર લખુ ભાટિયા નામના ચાર ઇન્ફલુએન્ઝરોને અનધિકૃત રીતે rajagames.com, rummymarz.com તથા 12days.com જેવી અનધિકૃત ઓનલાઇન ગેમિંગ પ્રમોશન કરી સમાજના યુવાવર્ગને ઓનલાઇન જુગાર જેવા સામાજિક દૂષણ પ્રેરે તેવું કૃત્ય કરતાં મળી આવતા ચારેય શખ્સોને ઝડપી લઇ ચારેય વિરૂઘ્ધ ગુના દાખલ કરી તેમની પાસેથી અનધિકૃત ઓનલાઇન ગેમિંગના પ્રમોશન કરવા ઉપયોગમાં લીધેલ મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 2,10,000નો મુદામાલ તપાસઅર્થે કબ્જે કર્યો હતો.
આ કાર્યવાહી ખંભાળિયાના પીઆઇ બી. જે. સરવૈયા, એએસઆઇ હેમતભાઇ નંદાણિયા, દીપકભાઇ રાવલિયા, હે.કો. ભરતભાઇ જમોડ, દિવ્યરાજસિંહ જાડેજા, સામતભાઇ ગઢવી, પો.કો. યોગરાજસિંહ ઝાલા, અરજણભાઇ આંબલિયા, સાઇબર ક્રાઇમના પીઆઇ વી. કે. કોટિયા, પીએસઆઇ એન. એસ. ગોહિલ, હે.કો. ધરણાંતભાઇ બંધિયા, મુકેશભાઇ કેશરિયા, ભરતભાઇ ચાવડા સહિતના સ્ટાફ દ્વારા કરાઇ હતી.


