જામનગર તાલુકાના નાઘુના ગામથી નારાણપુર સુધીનો રસ્તો લાંબા સમયથી અતિ બિસ્માર હાલતમાં છે. જે અંગે અનેક રજૂઆતો કરવામાં આવી છે. જેને ધ્યાને લઈને સરકાર દ્વારા કામ મંજૂર કરીને ટેન્ડર પ્રક્રિયા કરી પરંતુ સાત વખત કોઈ એજન્સી કામ કરવા તૈયાર ન થતાં આઠમી વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. કોઈ એજન્સી ટેન્ડર ભરશે એટલે તુરંત જ માર્ગનુ કામ શરૂ કરાશે.
જામનગર જિલ્લામાં જામનગરથી નજીક આવેલા નારણપરથી નાધુનાને જોડતો મુખ્ય માર્ગ આશરે 9 વર્ષથી બિસ્માર હાલત છે. રસ્તામાં નાના- મોટા ખાડા પડી ગયેલ છે. મગરની પીઠ સમા રસ્તાના કારણે વાહન વ્યવહારને અસર થાય છે. જિલ્લા મથક જામનગરમાં દૈનિક આવવા-જવા માટે સ્થાનિકોને મુશકેલી થતી હોય છે. ખરાબ રસ્તાના કારણે આસપાસના અનેક ગામના લોકો પરેશાન થયા છે. જે માટે ઉચ્ચકક્ષા સુધી અવારનવાર રજુઆતો કરવામાં આવી છે. રોડનુ કામ પણ મંજુર થયેલ છે. અને છેલ્લા 6 માસમાં 7 વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. પરંતુ કોઈ એજન્સી દ્વારા કામ કરવા તૈયાર ન થતા જિલ્લા પંચાયત દ્વારા આઠમી વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. સ્થાનિકોની રજુઆત છે કે આગામી ચોમાસામા પાણી ભરાવાથી આ માર્ગની હાલત વધુ ખરાબ થઈ શકે છે. ખબાર રસ્તાના કારણે માર્ગ પર અવારનવાર નાના-મોટા અકસ્માત થતા રહે છે. નારણપર, નાઘુના, કોઝા, ચંદ્રાગા સહીતના આસપાસના ગામને જોડતો મુખ્ય માર્ગ છે, લાંબા સમયથી બિસ્માર રોડના કારણે લોકો ત્રાહિમામ થયા છે. જે બાબતે સરકાર દ્વારા પણ કામને મંજુરી આપીને માર્ગ બનાવવા માટેની વહીવટી પ્રક્રિયા પુર્ણ કરી છે. અંદાજે 2 કરોડથી વધુનો ખર્ચે માર્ગ બનવવામાં આવશે. સાત વખત ટેન્ડર પ્રક્રિયા કર્યા બાદ પણ કોઈ એજન્સી દ્વારા ટેન્ડર ન ભરાતા ફરી આઠમી વખત ટેન્ડરની ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવી છે. જો કે હાલ કામચલાઉ રસ્તાને રીપેર કરવા માટે પેચવર્ક કરવા સૂચના આપવામાં આવી છે.


