જામનગરમાં હોમગાર્ડ જવાનોએ હાજરી પુરવા બાબતે માથાકૂટ કરી અન્ય બે હોમગાર્ડ જવાનોને ધમકી આપ્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતાં પોલીસ દ્વારા ત્રણ આરોપી હોમગાર્ડ જવાનોની અટકાયત કરી છે. જ્યારે જિલ્લા હોમ ગાર્ડ કમાન્ડન્ટ દ્વારા તમામ છ હોમગાર્ડ જવાનોને ફરજ મોકૂફ કરવાનો હુકમ કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગરના રાકેશભાઇ અમૃતલાલ વારા (ઉ.વ.40) અને સાથી હોમગાર્ડ જવાનો ધર્મેન્દ્ર મેતા જજના બંગલે સુરક્ષા ઉપર હતાં. આ દરમિયાન આોરપી મનિષ દાઉદીયા ત્યાં પહોંચી આજે નોકરી પર કેમ આવ્યો છો? તેમ કહીને ધમકી આપી હતી અને બંને હોમગાર્ડ જવાનોને આરોપીઓ મનીષ દાઉદીયા, હિરેન કુંભારાણા, ધર્મેન્દ્ર જેઠવા, જયેશ વારા, સોમિલ વાળા અને બ્રિજેશ વાળાએ કહ્યું હતું કે, તમે અમને સાથ નથી આપ્યો, જ્યાં સુધી ક્યૂઆર સ્કેનરથી હાજરી પુરવાનું બંધ નહીં થાય ત્યાં સુધી કોઇ હોમગાર્ડે સીટી-બી પોલીસ સ્ટેશનમાં નાઇટ રાઉન્ડમાં ફરજ બજાવાની હતી. અમે બધા નક્કી કર્યું છે. તેમ છતાં તમે બંને ફરજ પર ગયા છો, આમ કહી શર્ટનો કાઠલો પકડીને આજપછી તું જજના બંગલે નોકરી પર જઇશ તો, જાનથી મારી નાખીશ. તેવી ધમકી આપી હતી.
આ અંગે જામનગર સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તમામ છ આરોપીઓ સામે ગુનો નોંધાતાં પોલીસે છ પૈકી ત્રણ આરોપીઓ હિરેન મનસુખ કુંભારાણા, બ્રિજેશ કિશોર વારા અને સોમિલ વાળાની અટકાયત કરાઇ છે. જ્યારે અન્ય ત્રણ શખ્સોની શોધખોળ ચાલી રહી છે.
આ બનાવ સામે આવતાં જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશભાઇ સરવૈયાએ તાત્કાલિક અસરથી તમામ છ હોમગાર્ડ જવાનોને ફરજ મોકૂફ કર્યા હતાં.


