જામનગર તાલુકાના અલિયાબાડા ગામ નજીકના ધોરીમાર્ગ પરથી પસાર થઇ રહેલી ઇકો કાર આડે કુતરું ઉતરતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવતા પલ્ટી ખાઇ જતા ચાલકનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર નજીક આવેલા અલિયાબાડા ગામમાં રહેતા સંજયભાઇ હરિભાઇ મકવાણા (ઉ.વ.35) નામનો યુવાન રવિવારે બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં તેના કબ્જાની જીજે10-ઇસી-8687 નંબરની ઇકો કારમાં અલિયા ગામના પાટિયા પાસેથી પસાર થતો હતો. તે દરમ્યાન કાર આડે અચાનક કુતરું ઉતરતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવી દેતાં કાર રોડ પરથી ઉતરીને પલ્ટી ખાઇ ગઇ હતી. કાર પલ્ટી જતાં અકસ્માતમાં ચાલક સંજયભાઇ મકવાણા નામના યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. બનાવ અંગેની ચંદુભાઇ દ્વારા જાણ કરાતાં હે.કો. બી. એચ. લાંબરિયા તથા સ્ટાફે હોસ્પિટલે અને ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


