Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરલાલપુર પંથકમાં વરસાદી વીજળીના કહેરમાં બે વ્યક્તિઓના મોત

લાલપુર પંથકમાં વરસાદી વીજળીના કહેરમાં બે વ્યક્તિઓના મોત

વીજળીથી અન્ય છ વ્યક્તિઓ દાઝી ગઈ : ત્રણ પશુઓના મોત

- Advertisement -

છેલ્લાં ત્રણ દિવસથી હાલારમાં પલ્ટાયેલા વાતાવરણમાં ભારે અને ભયાનક ગાજવીજ સાથે પડેલા વરસાદમાં વીજળીનો કહેર પણ જોવા મળ્યો હતો. વરસાદની સાથે સાથે વીજળી પડતા બાળક સહિત બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતાં અને છ વ્યક્તિઓ દાઝી ગયા હતાં. ઉપરાંત ત્રણ પશુઓના મોત પણ નિપજ્યાની ઘટના બની હતી.

- Advertisement -

જામનગર અને દ્વારકા સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસથી હવામાને અચાનક પલ્ટો લીધો છે. પલ્ટાયેલા વાતાવરણમાં ભયાનક અને ભારે ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં અઢી ઈંચ જેટલું પાણી વરસી ગયું છે. જેમાં લાલપુર પંથકમાં સોમવારે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદની સાથે સાથે લાલપુર તાલુકાના ગજણના ગામના આદમભાઈ જુમાભાઈના ખેતરમાં મજૂરી કામ કરી રહેલા પરબતભાઇ દાનાભાઈ સોલંકી (ઉ.વ.45) (રહે.ગજણા) નામના યુવાન તેમજ તેના સાળાના દિકરા રવિ પુનાભાઈ વાઘેલા (ઉ.વ.10) (રહે. સીક્કા) નામના બે વ્યક્તિઓ ઉપર આકાશી વીજળી પડતા બનાવ સ્થળે જ બંનેના મોત નિપજ્યાની જાણ લાલપુર મામલતદાર દ્વારા કરવામાં આવતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફ બનાવસ્થળે દોડી ગયો હતો અને મૃતકના પત્ની નીતાબેન પરબતભાઈ સોલંકીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરાંત લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં વીજળી પડતા એક સાથે પાંચ વ્યક્તિઓ દાઝી ગઈ હતી અને દાઝેલા વ્યક્તિઓને લાલપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓની હાલતમાં સુધારો હોવાનું જાણવા મળે છે. તેમજ મોટા ખડબામાં વીજળી પડતા તુલસીભાઈ વસાવા નામની 16 વર્ષની તરૂણી દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ઉપરાંત ગોવાણા ગામના રમેશભાઈ ભાદરકા નામના ખેડૂતની વાડીમાં વીજળી પડતા એક ભેંસનું મોત નિપજ્યું હતુ તથા મોટા ખડબાના કિશોરભાઈ ડાંગરીયા નામના ખેડૂતની વાડીમાં વરસાદી વીજળી પડતા એક બળદનું તથા કાનાલુસ ગામમાં દલપતભાઈ નાથાભાઈની વાડીમાં વીજળી પડતા એક બળદનું મોત નિપજ્યું હતું. આમ વરસાદી વીજળીના કારણે બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતાં છ વ્યક્તિઓ દાઝી ગઈ હતી અને ત્રણ પશુઓના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular