‘માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે….’ જેવા ગરબાના નાદો સમગ્ર નવરાત્રિ દરમિયાન શેરી ગલ્લીમાં ગુંજતા હતાં. નવરાત્રિના પાવન અવસર પર નાની નાની બાળાઓ રોજે શ્રૃંગાર સર્જીને માતાજીની આરાધના કરતી ગરબે રમતી જોવા મળી હતી. ત્યારે શહેરના ન્યુ આરામ કોલોની જય અંબે ગરબી મંડળ ખાતે બાળાઓને નિ:શુલ્ક રમાડવામાં આવતી હતી.
ખોડિયાર કોલોની સામે ન્યુ આરામ કોલોની ખાતે જય અંબે ગરબી મંડળમાં છેલ્લાં સાત વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આશરે 81 જેટલી બાળાઓ આ ગરબી મંડળમાં જુદા જુદા રાસો રજૂ કર્યા હતાં. આ ગરબી મંડળની ખાસીયત જણાવતા ગરબી મંડળના આયોજકો એવા વોર્ડ નંબર 5 ના યુવા મોરચાના પ્રમુખ ભવ્યભાઈ જાની જણાવે છે કે, કોઇ ફી લેવામાં આવતી નથી. એટલે કે 81 જેટલી બાળાઓને તદન નિ:શુલ્ક ગરબે રમાડવામાં આવે છે.
આ ઉપરાંત ગરબીમાં રોજનો નાસ્તો, લ્હાણી વગેરે છ કાર્યકર્તાઓ સાથે મળી કરે છે. જેના માટે કોઇ દાન કે ફાળો ઉઘરાવવામાં આવતો નથી. અને જરૂરિયાતમંદ પરિવારોની બાળાઓ નવરાત્રિના પર્વને માણી શકે છે. અને ગરબી રમી શકે તેવા શુભ હેતુથી આ ગરબી કરાવવામાં આવે છે.