ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અસલમભાઈ ભીખુભાઈ ચાકી નામના 27 વર્ષના મુસ્લિમ યુવાન ગત તા.29 મીના રોજ બપોરના સમયે તેમના ભાઈ સાહેદ આબીદ ભીખુભાઈ ચાકીને લઈને પાણીના ટ્રેકટરથી બોટમાં પાણી ખાલી કરવા ગયા હતા. તેઓ બોટમાં પાણી ખાલી કરી રહ્યા હતા, તે દરમિયાન અહીં આરોપી ઈરફાન પટેલ આવ્યો હતો અને તેણે ટ્રેક્ટર સાઈડમાં લેવાનું કહ્યું હતું. જે બાબતે ઈરફાન અને અન્ય આરોપી ઈમરાન પટેલ અને ઈમ્તિયાઝ પટેલે ફરિયાદીના ભાઈ આબિદ ચાકી સાથે બોલાચાલી કરી હતી.
આ પછી ફરિયાદી અસલમ અને તેના ભાઈ આબિદ તેઓના ટ્રેક્ટરમાંથી પાણી ખાલી કરી અને બંદર ખાતેથી નીકળી ગયા હતા. પરંતુ ઉપરોક્ત બાબતનું મન દુ:ખ રાખીને આરોપી ઈમરાન, ઈરફાન અને ઇમ્તિયાઝએ ટ્રેક્ટરની આગળ આવીને ટ્રેક્ટર રોકાવી, આબિદને જમીન ઉપર પછાડી દીધો હતો. જ્યારે અન્ય આરોપી ઈસ્તિયાક પટેલ પણ ત્યાં હતો અને ઉપરોક્ત ચારેય આરોપીઓએ ભેગા મળી અને આબિદ ને બેફામ માર મારી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ફરિયાદી અસલમ અને તેના ભાઈ આબિદ સાથે આરીફ અને સલાયા પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયા હતા. જ્યાં ઉભેલા અન્ય આરોપી આસિફ પટેલ, મુસ્તાક પટેલ, ફારુક પટેલ, હાજી ગંઢાર અને હુસેન પટેલે ફરિયાદી તથા સાહેદોને પોલીસ મથકની બહાર નીકળતા બિભત્સ ગાળો કાઢી, ગેરકાયદેસર મંડળી રચીને આડેધડ માર મારી, મૂઢ ઈજાઓ પહોંચાડી અને બિભત્સ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી અત્યારની ધોરણસર ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તમામ 10 આરોપીઓ સામે જરૂરી કાર્યવાહી કરી હતી.