જામનગર શહેરમાં આવેલા બર્ધનચોક, માંડવીટાવર, દરબારગઢ વિસ્તારને હાઈકોર્ટ દ્વારા નો હોકીંગ ઝોનનો આદેશ કર્યા બાદ પણ મહાનગરપાલિકાનું નિંભર તંત્ર આ હાઈકોર્ટના આદેશને પણ ગણકારતું નથી. જેના કારણે આ વિસ્તારના વેપારીઓએ ત્રાહિમામ થઈને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામનગર શહેરના બર્ધનચોક, માંડવીટાવર અને દરબારગઢ વિસ્તારને નો હોકીંગ ઝોનનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટના આદેશનો જામનગર મહાનગરપાલિકાનું તંત્રએ ઉલાળિયો કરી દીધો છે અને આ વિસ્તારના વેપારીઓ દ્વારા ગેરકાયદેસર ખડકાયેલા દબાણોથી ત્રાહિમામ થઈને જામનગરના કલેકટર, એસપી, કમિશનરને વારંવાર રેલીઓ યોજી આવેદનપત્ર પાઠવ્યા હોવા છતાં વર્ષોથી રહેલી દબાણોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. વેપારીઓની અવાર-નવારની રજૂઆતને પણ વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના હોદ્ેદારો ગણકારતા નથી. જેથી બર્ધનચોક વેપારી એસોસિએશન દ્વારા કંટાળીને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી.
બર્ધન ચોક વેપારી એસોસિએશન દ્વારા હાઈકોર્ટના આદેશનું ચુસ્તપણે અમલવારી થાય અને કાયમી ધોરણે થાય તથા જામનગર મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓનું બેજવાબદાર વલણ તથા નીચેના અધિકારીઓ અને કર્મચારીઓના પણ બેજવાબદારીપૂર્વકના વલણના કારણે સમસ્યા અવિરત રહી છે. વેપારી એસોસિએશન દ્વારા કલેકટર, કમિશનર અને એસપીને તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓને અવાર-નવાર આ મામલે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવા છતાં ગેરકાયદેસર દબાણોની સમસ્યા યથવાત રહી છે. તો મુખ્યમંત્રીને આ સમસ્યાનું કાયમી અને ઝડપી નિરાકરણ થાય તેવી રજૂઆત કરી હતી.