મેઘપર ગામની સીમમાં આવેલા જુદા-જુદા ત્રણ વ્યક્તિઓની ખેતીની જમીન બે શખ્સોએ ગેરકાયદેસર પચાવી પાડી જાહેર ચેતવણીનો બોર્ડ લગાડયાના બનાવમાં પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ જુદા-જુદા લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ત્રણ ગુનાઓ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં દિગ્વીજય પ્લોટ પાસે રહેતાં ભરતભાઈ પ્રભુભાઈ પુંજાલ નામના વેપારી યુવાનની પડાણા ગામના રેવન્યુ સર્વે નંબર 139 વાળી એકર 10 અને 30 ગુઠા જમીન બિનખેતીમાંથી ઔદ્યોગિક હેતુ માટે ફેરવવા આવેલી આ જમીનના પ્લોટ નંબર 20, 21, 36, 30 વાળી કુલ 2614.51 ચોરસ મીટર જમીન મુંગણીના ભગીરથસિંહ ભૂપતસિંહ કંચવા અને ચેલા ગામના ઈન્દ્રજીતસિંહ વિજયસિંહ ભટ્ટી નામના બે શખ્સોએ જમીનમાં લગાડેલ ડિમોક્રેશન પથ્થર ઉખેડીને ફેંકી દઇ આ જગ્યા ખેડી નાખી હતી તેમજ ભગીરથસિંહે જાહેર ચેતવણી આપતું બોર્ડ લગાવી ગેરકાયદેસર રીતે પચાવી પાડવા કબ્જો કર્યો હતો. તેમજ પ્રવિણભાઈ કાનજીભાઈ મુંજાલ નામના બ્રાસપાર્ટના વ્યવસાય વૃદ્ધની માલિકીના રેવન્યુ સર્વે નંબર 139 વાળી એકર 10 અને 30 ગુઠા જમીન બિનખેતીમાંથી ઔદ્યોગિક હેતુ માટે ફેરવવા આવેલી આ જમીનના પ્લોટ નંબર 34,35 અને 38 વાળી કુલ 2121.02 ચો.મી.વાળી જમીનમાં ડીમોક્રેશન પથ્થર ઉખેડીને ફેંકી દીધા હતાં તેમજ ભગીરથસિંહ ભૂપતસિંહ કંચવા અને ઈન્દ્રજીતસિંહ વિજયસિંહ ભટ્ટી નામના બંને શખ્સોએ ગેરકાયદેસર કબ્જો કરી દબાણ કરી લીધું હતું.
તેમજ જામનગરમાં શ્રીજી હોલ પાસે ડીવાઈન 3 માં રહેતાં અને ફોટોગ્રાફી કરતા સંજયભાઈ થોભણભાઈ સીતાપરા નામના પટેલ વૃદ્ધની રેવન્યુ સર્વે નંબર 139 વાળી એકર 10 અને 30 ગુઠા જમીન બિનખેતીમાંથી ઔદ્યોગિક હેતુ માટે ફેરવવા આવેલી આ જમીનના પ્લોટ નંબર 24,26,27,31,32 અને 33 વાળી કુલ 4272.66 ચો.મી. વાળી જમીનમાં ભગીરથસિંહ ભૂપતસિંહ કંચવા અને ઈન્દ્રજીતસિંહ વિજયસિંહ ભટ્ટી નામના બંને શખ્સોએ ડિમોક્રેશન પથ્થર ઉખેડી આ જગ્યા ખેડી નાખી અને જાહેર ચેતવણી આપતું બોર્ડ લગાવી જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરી દબાણ કરી દીધું હતું. આ ત્રણેય વ્યક્તિઓની જમીન પચાવી પાડયાની જિલ્લા કલેકટરને કરાયેલી અરજી બાદ ડીવાયએસપી આર બી દેવધા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ જુદા જુદા ત્રણ ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.