જામજોધપુર પંથકમાં ગઈકાલે બપોરબાદ વાતાવરણમાં પલ્ટો આવતા એક કલાકમાં એક ઈંચ વરસાદ વરસી જતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા હતાં. જેના પગલે ખેડૂતોને ઉભા પાકની નુકસાનીનો ભય ફેલાયો હતો.
છેલ્લાં કેટલાંક દિવસોથી જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદનો સદંતર વિરામ છે અને ભારદવી તડકો વરસી રહ્યો છે એવામાં ગઈકાલે જામજોધપુર પંથકમાં વગર આગાહીએ એક ઈંચ વરસાદ ખાબકતા માર્ગોે તથા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતાં. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં ઝાપટાની આગાહી કરી હતી. પરંતુ ત્યાં વરસાદના વાવડ મળ્યા નથી. પરંતુ ગઈકાલે જામજોધપુર પંથકમાં બપોર બાદ હવામાનમાં પલ્ટો આવ્યો હતો. આકાશમાં અચાનક વાદળો ઘસી આવ્યા હતાં અને ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. કલેકટકર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર 25 મીમી વરસાદ વરસી ગયો હતો. વરસાદથી ખેતરોમાં પાણ ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતાં. તો બીજી તરફ રસ્તા પર પણ પાણી ફરી વળ્યા હતાં. વરસાદના પરિણામે ખેતરોમાં રહેલાં ઉભા પાકને નુકસાનીની ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઇ હતી.
એક તરફ ગઈકાલે ગણપતિ વિસર્જન હતું. એવામાં જામજોધપુર પંથકમાં વરસાદથી વિસર્જન કરી રહેલા ગણેશભકતો એ વરસતા વરસાદ વચ્ચે ગણપતિજીને ભાવભેર વિદાય આપી હતી. આવતીકાલે ગુરૂવારે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટા વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જામનગર શહેરમાં મહતમ તાપમાન 32.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25 ડિગ્રી તથા હવામાં ભેજનું પ્રમાણ 90 ટકા નોંધાયું છે. જેને પરિણામે શહેરીજનો ગરમીનો સામનો કરી રહ્યા છે.